Mon Oct 05 2026

Logo

ચોરીના આઈફોનની આઈડી રિમૂવ કરી

2026-09-07 18:50:00
Author: Yogesh C. Patel
ચોરીના આઈફોનની આઈડી રિમૂવ કરી

વિદેશમાં વેચનારી ટોળકી ઝડપાઈ
જે ફોનની આઈડી રિમૂવ ન થાય તેના બધા પાર્ટ્સ અલગ કરી સસ્તી કિંમતે વેચી દેતા: 64 આઈફોન જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિવિધ રાજ્યોમાંથી ચોરાયેલા આઈફોન ખરીદ્યા પછી તેની આઈડી રિમૂવ કરીને ફોન વિદેશમાં વેચી દેનારી ટોળકીના ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. જે ફોનની આઈડી રિમૂવ ન કરી શકાય તેના બધા પાર્ટ્સ અલગ કરીને સસ્તી કિંમતે વેચી દેવાની ટોળકી પાસેથી ચોરીના 64 આઈફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં મે, 2026માં નોંધાયેલી આઈફોન ચોરીની ફરિયાદની તપાસ દરમિયાન આ ટોળકીનો પર્દાફાશ થયો હતો. એ ચોરીના આઈફોનમાં નવું સિમ કાર્ડ નાખીને તેને ઑન કરવામાં આવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આઈએમઈઆઈ નંબર અને સિમ કાર્ડને ટ્રેસ કરી પોલીસની ટીમે એક શકમંદને તાબામાં લીધો હતો. તેની પાસેથી ચોરીના 21 આઈફોન અને 12 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

આરોપીની વધુ પૂછપરછમાં તેના સાથીઓની માહિતી સામે આવી હતી. આ ટોળકી વિવિધ રાજ્યોમાંથી ચોરવામાં આવેલા આઈફોન સસ્તી કિંમતે ખરીદતી હતી. પછી તેની આઈડી રિમૂવ કરીને નેપાળ-બાંગ્લાદેશ જેવા દેશોમાં ફોન વેચી દેતી હતી.

એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ મુળ્યેએ જણાવ્યું હતું કે આઈએમઈઆઈ નંબર બદલી શકાતો ન હોવાથી આરોપીઓ મોટે ભાગે વિદેશમાં ચોરીના ફોન વેચતા હતા. આઈડી રિમૂવ કરવા ચોરીના એક મોબાઈલમાં સિમ કાર્ડ નાખવામાં આવતાં જ તેનું લૉકેશન મળ્યું હતું, જેને પગલે આ ટોળકી પકડમાં આવી હતી.

ટોળકી પાસેથી 64 આઈફોન અને 20 મોબાઈલ ફોનના છૂટા કરી દેવાયેલા પાર્ટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ટોળકી પકડાતાં તેલંગણાના 11, દિલ્હીના ત્રણ, મહારાષ્ટ્ર-મુંબઈના 19, કર્ણાટકના બે, રાજસ્થાન, તમિળનાડુ, ઉત્તરાખંડમાં નોંધાયેલા આઈફોન ચોરીના એક-એક ગુના ઉકેલાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.