Tue Oct 06 2026

Logo

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો કાળો કહેર; 42 હજારથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, 117 ના મોત થતાં આરોગ્ય વિભાગ ચિંતિત

Dhaka   2026-09-07 10:46:19
Author: Vimal Prajapati
બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો કાળો કહેર; 42 હજારથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, 117 ના મોત થતાં આરોગ્ય વિભાગ ચિંતિત

Arun SANKAR / AFP) (AFP)


ઢાકા: બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુએ ભારે તબાહી મચાવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 42,590 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થઈ ચૂક્યા છે, જ્યારે 117 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં કેસોમાં અચાનક આવેલા ભયાનક ઉછાળાના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા અને હોસ્પિટલો પર ભારે દબાણ ઊભું થયું છે.

એક જ દિવસમાં 1,558 નવા દર્દીઓ નોંધાયા

આરોગ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના કારણે 4 લોકોના મોત થયા છે અને 1,558 નવા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ આંકડો ચાલુ વર્ષે એક જ દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અગાઉથી જ ઓરીનો ભયાનક પ્રકોપ ચાલી રહ્યો છે, જેમાં આ વર્ષે અંદાજે 1,000 બાળકોના મોત થયા છે. તેવામાં ડેન્ગ્યુના વધતા કેસોએ ચિંતા બમણી કરી દીધી છે.

સપ્ટેમ્બર મહિનો બની શકે છે સૌથી ઘાતક

જહાંગીરનગર યુનિવર્સિટીના પ્રોફેસર કબીરુલ બશરના જણાવ્યા મુજબ, જો આ જ ગતિએ કેસો વધતા રહેશે તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા 30,000 ને વટાવી શકે છે. ઓક્ટોબર સુધી હવામાન વાયરસના ફેલાવા માટે અનુકૂળ હોવાથી હજુ ડેન્ગ્યુ પીક પર પહોંચ્યો નથી. આ સ્થિતિ વર્ષ 2023 ના ભયાનક ડેન્ગ્યુ પ્રકોપની યાદ અપાવી રહી છે. ડેન્ગ્યુ દેશના તમામ 64 જિલ્લાઓમાં ફેલાઈ જતાં વડાપ્રધાન તારિક રહેમાને દેશવ્યાપી સફાઈ અને જાગૃતિ અભિયાન શરૂ કરવાના આદેશ આપ્યા છે. 

હોસ્પિટલોમાં બેડની તીવ્ર અછત

સ્થિતિ એટલી ગંભીર બની છે કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડી છે.  ઢાકાના તબીબ પ્રોફેસરના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુમાં તાવ ઓછો થયા પછીનો તબક્કો સૌથી વધુ ખતરનાક હોય છે. આ સમયે બ્લડ પ્રેશર ઘટી જવું, પ્લાઝમા લીકેજ અને ઈન્ટરનલ બ્લીડિંગ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેથી પેટમાં દુખાવો, ચક્કર આવવા કે અતિશય સુસ્તી જેવા લક્ષણોને અવગણવા નહીં.