(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરતઃ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક સગીરા સાથે નશાની હાલતમાં દુષ્કર્મ આચરી તેના નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલ કરવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ બોટાદના ઢસા ગામનો વતની અને હાલ કાપોદ્રામાં રહેતો 33 વર્ષીય રિક્ષાચાલક ભાવેશ મકવાણા તથા તેની માનેલી બહેન ભારતી મકવાણા વિરુદ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા ભાઈ-બહેનની ધરપકડ કરી કાયદેસરના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આરોપી ભારતીએ સગીરાની ઓળખ ભાવેશ સાથે કરાવી હતી
પોલીસની તપાસ પ્રમામે આરોપી ભારતીએ યોજનાબદ્ધ રીતે સગીરા સાથે ઓળખાણ વધારીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ સગીરાને દારૂ અને સિગારેટનો નશો કરાવ્યા બાદ તેની બેભાન જેવી હાલતમાં અંગત ફોટા પાડી લીધા હતા. આરોપી ભાવેશે સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી બે વાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં ભારતીએ પૂરેપૂરો સાથ આપ્યો હતો. આટલેથી ન અટકતાં, ન્યૂડ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી આરોપીઓ સગીરા પાસેથી વધુ ફોટા મંગાવી સતત માનસિક ત્રાસ આપતા હતા.
સગીરાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી
આખરે બ્લેકમેઇલિંગથી કંટાળીને સગીરાએ હિંમત દાખવી પરિવાર સમક્ષ આપવીતી જણાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઉત્રાણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દીધી છે. મોટા વરાછા પોલીસ ચોકીના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મુખ્ય આરોપી ભાવેશ મકવાણા અને સહ-આરોપી ભારતીની ધરપકડ કરી પોલીસ કસ્ટડીમાં લઈ કડક કાર્યવાહી શરૂ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.