(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તહેવારોની મોસમ ચાલી રહી હોવાથી મુંબઈગરાના માથા પર રહેલો ૧૦ ટકા પાણીકાપ બહુ જલદી પાછો ખેંચાવાની શકયતા છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ૯૫.૫૩ ટકા જેટલું પાણી જમા થઈ ગયું છે. તેથી તહેવારોને ધ્યાનમાં રાખીને પાણીકાપ પાછો ખેંચવાની નગરસેવકો સતત માગણી કરી રહ્યા છે. તેથી બહુ જલદી પ્રશાસન પાણીકાપ બાબતે નિર્ણય લેશે એવું માનવામાં આવે છે.
આ વર્ષે ચોમાસાનું આગમન લંબાઈ જતા જળાશયોમાં પાણીની ઘટતી સપાટીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં મે મહિનામાં જ ૧૦ ટકા પાણીકાપ લાદી દેવામાં આવ્યો હતો. આ દરમ્યાન જોકે જુલાઈ મહિનામાં સારો વરસાદ પડતા જળાશયોમાં પાણીની આવક થઈ હતી. જોકે અલ નિનોની અસર હેઠળ નબળા ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ જળાશયો તેની ક્ષમતાના ૧૦૦ ટકા ભરાઈ નહીં ત્યાં સુધી પ્રશાસન પાણીકાપ પાછો ખેંચવાની ઉતાવળ કરવા માગતી નથી.
સોમવારે સવારના જળાશયોમાં ૯૫ ટકાથી વધુ પાણી હોવાથી નગરસેવકો સતત પાણીકાપ પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે. હાલ તહેવારોની મોસમ છે અને આગામી દિવસોમાં ગણેશોત્સવ આવશે. તેથી તેને ધ્યાનમાં રાખીને પાણીકાપ પાછો ખેંચવામાં કોઈ વાંધો ન હોવાનો નગરસેવકો દાવો કરી રહ્યા છે પણ પ્રશાસન સપ્ટેમ્બરમાં પણ જો ઑગસ્ટ જેવો હળવો વરસાદ રહ્યો તો તકલીફ થઈ શકે છે એવી ચિંતા સતાવી રહી છે. પ્રશાસન સપ્ટેમ્બર મહિના બાદ જ પાણીકાપ પાછો લેવા બાબતે કોઈ નિર્ણય લેવાનો વિચાર કરી રહ્યું છે પણ રાજકીય પાર્ટીઓ અને નગરસેવકો તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રશાસન પણ પાણીકાપને લઈને દબાણ લાવી રહી હોવાનું કહેવાય છે.
સોમવારે સવારના છ વાગે સાતેય જળાશયોમાં ૯૫.૫૩ ટકા એટલે કે ૧૩,૮૨,૬૨૪ મિલ્યન લિટર જેટલું પાણી હતું. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૯૬.૧૫ ટકા એટલે કે ૧૩,૯૧,૬૨૬ મિલ્યન લિટર અને ૨૦૨૪ની સાલમાં જળાશયોમાં ૯૫.૨૭ ટકા પાણી હતું. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે જળાશયોમાં પહેલી ઑક્ટોબરના ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો હોવો આવશ્યક છે.