નવી દિલ્હી: વર્ષ 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલા બાદ ભારતે કડક કાર્યવાહી કરતા 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ સૈન્ય અભિયાન બાદ પાકિસ્તાન સાથેના વિઝા અને સરહદી માર્ગો સદંતર બંધ કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણયની સીધી અસર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા એવા સિંધી પરિવારો પર પડી હતી, જેમણે પોતાની દીકરીઓની સગાઈ ભારતમાં કરી હતી. અગાઉ વાઘા-અટારી બોર્ડરથી સરળતાથી મુસાફરીની સુવિધા મળતી હોવાથી આવા લગ્નો ખૂબ સરળતાથી થતા હતા, પરંતુ જમીન માર્ગ બંધ થવાથી આશરે 150 જેટલી પાકિસ્તાની યુવતીઓના લગ્ન અધવચ્ચે લટકી ગયા હતા.
જોકે, આ દુલ્હનો અને તેમના પરિવારોની લાંબી રાહનો સુખદ અંત આવ્યો છે. પાકિસ્તાનથી આવેલા સિંધી પ્રવાસીઓ માટે કામ કરતા નાગપુરના સામુદાયિક નેતા રાજેશ ઝાંબિયાના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે ભારે પ્રયત્નો બાદ આ મહિલાઓ અને તેમના પરિવારજનોને લગ્ન માટે ભારતમાં પ્રવેશવા વિઝા મંજૂર કર્યા છે. જોકે, તેમને અટારી બોર્ડરથી જમીન માર્ગે આવવાની મનાઈ હોવાથી, આ તમામ લોકો મસ્કત, દુબઈ, ઓમાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા અન્ય દેશોના હવાઈ માર્ગો મારફતે ભારત પહોંચ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયામાં રાયપુર સ્થિત સંત યુધિષ્ઠિરલાલ શદાનીની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. જ્યારે અટારી બોર્ડરથી આવવાના તમામ વિઝા રદ થયા, ત્યારે લોકોએ પાકિસ્તાનના ઘોટકીમાં આવેલા પ્રખ્યાત હિન્દુ ધાર્મિક સ્થળ 'શદાની દરબાર'ના આ આધ્યાત્મિક વડાનો સંપર્ક સાધ્યો હતો. તેમના દ્વારા ભારતમાં સગાઈ પામેલી 150 પાકિસ્તાની યુવતીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ યુવતીઓના લગ્ન ભારતના નાગપુર, રાયપુર, જોધપુર અને પુણે સહિતના શહેરોમાં થવાના હતા. આ યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલીને વિઝા આપવા માટે ખાસ વિનંતી કરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલયે માત્ર હવાઈ મુસાફરીની શરતે વિઝા મંજૂર કર્યા બાદ, આ વર્ષે એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં 150 દુલ્હનો પોતાના સાસરે આવી ચૂકી છે, જેમાં નાગપુરના 15 કિસ્સાઓ પણ સામેલ છે. જોકે રાજેશ ઝાંબિયાના મતે, હજુ પણ પાકિસ્તાનમાં આવી લગભગ 300 જેટલી અન્ય યુવતીઓ છે જેમના લગ્ન ભારતમાં નક્કી થયા છે અને તેઓ ભારત આવવાની રાહ જોઈ રહી છે. સમુદાય દ્વારા આ બાકી રહેલી યુવતીઓ માટે પણ ભારત સરકાર સમક્ષ વિઝા આપવા માટે અપીલ કરવામાં આવી છે.