ચેન્નાઈ: તમિલનાડુમાં થલાપતિ વિજય સરકારે રાજ્યના મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે મુજબ હવે મંદિરમાં પ્રવેશતા પહેલા તમારે તમારો સ્માર્ટફોન બહાર જમા કરાવવો પડશે. જેના માટે નાણાં ચૂકવવા પડશે.
52 મુખ્ય મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ
જેમાં રાજ્યભરના 52 મુખ્ય મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મંગળવારથી અમલમાં આવ્યો છે; જોકે, મંદિર પરિસરમાં કેમેરા વગરના ફોન લઈ જવાની મંજૂરી છે. હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE)વિભાગના જણાવ્યા અનુસાર નવા નિયમો હેઠળ, સ્માર્ટફોન લઈ જતા ભક્તોએ તેમને મંદિરના પ્રવેશદ્વાર પર નિયુક્ત કાઉન્ટર પર જમા કરાવવા પડશે અને પ્રતિ ફોન ₹5 ફી ચૂકવવી પડશે.
હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) વિભાગના મંત્રી એસ. સેકર બાબુએ અગાઉ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે મુખ્ય મંદિરોમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
શાંતિપૂર્ણ અને શાંત વાતાવરણ સુનિશ્ચિત કરવાનો હેતુ
આ નિર્ણયનો હેતુ ભક્તો માટે શાંતિપૂર્ણ અને શાંત વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે. વિભાગે નોંધ્યું છે કે ભક્તો અને મુલાકાતીઓ મંદિરોની અંદર દેવતાઓ અને મૂર્તિઓના ફોટા અને વિડીયો લેવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક તો સેલ્ફી પણ લઈ રહ્યા હતા .
તિરુચેન્દુર, મદુરાઈ અને રામેશ્વરમ મંદિરોમાં પહેલાથી જ પ્રતિબંધ
વિભાગે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ મંદિરોના આધ્યાત્મિક વાતાવરણને વિક્ષેપિત કરે છે અને અન્ય ભક્તોને અસુવિધા પહોંચાડે છે. મંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે પલાની, તિરુચેન્દુર, મદુરાઈ અને રામેશ્વરમ સહિત ઘણા મોટા મંદિરોમાં મોબાઇલ ફોન પર પહેલાથી જ પ્રતિબંધ છે.