Sat Sep 05 2026

Logo

મુંબઈમાં સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો: ૩ મહિનામાં ૪૪૧ કેસ

2026-09-02 22:42:45
Author: Sapna Desai
મુંબઈમાં સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો: ૩ મહિનામાં ૪૪૧ કેસ

પ્રતીકાત્મક તસવીર


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ ચોમાસાએ બ્રેક લીધો છે ત્યારે સ્વાઈનફ્લૂ (એચવનએનવન) અને મલેરિયાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. પાલિકાના સાર્વજનિક વિભાગના આંકડા મુજબ  છેલ્લા ત્રણ મહિનામાં મલેરિયાના ૪,૪૮૫ તો સ્વાઈનફ્લૂના ૪૪૧ કેસ નોંધાયા છે. સ્વાઈનફ્લૂના કેસમાં વધારો થતા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે અને પાલિકાની હૉસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી છે.

પાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ચોમાસુંજન્ય બીમારીમાં વધારો જણાયો છે. ૨૦૨૫માં  ત્રણ મહિનામાં મલેરિયાના ૩,૭૭૩ કેસ સામે આ વર્ષે આંકડો ૪,૪૮૫ જેટલો ઊંચો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મલેરિયાના ૭૫૨ દર્દી વધી ગયા છે, જે લગભગ ૨૦ ટકા જેટલો વધારો ગણાતા સાર્વજનિક આરોગ્ય ખાતાએ મચ્છરોનો ખાતમો બોલાવવા માટે ફરી સક્રિય થઈ ગઈ છે.

મુંબઈગરા માટે જોકે ચિંતાજનક બાબત એ છે કે સ્વાઈનફ્લૂએ મુંબઈમાં ફરી માથું ઊંચક્યું છે. મલેરિયા કરતા પણ સ્વાઈનફ્લૂના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં સ્વાઈનફ્લૂના ફકત ૬૨ દર્દી નોંધાયા હતા, તેની સામે આ વર્ષે ત્રણ મહિનામાં આ  આંકડો વધીને ૪૪૧ જેટલો ઊંચો નોંધાયો છે.  ગયા વર્ષની સરખામણીમાં ૩૭૯ દર્દી વધી ગયા છે. પાલિકાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં  એચવનએનવન કેસમાં વધારો નોંધાયો છે. જોકે મુંબઈગરાએ ગભરાવાની જરૂર નથી.

ફકત ભીડવાળી જગ્યાએ જવાનું હોય ત્યાં સાવચેતી રાખવી અને રોગપ્રતિકારકશક્તિ ઓછી ધરાવતા લોકોએ માસ્ક પહેરવો, જેથી તેમને ચેપ લાગવાનું જોખમ ઓછું રહે. મુંબઈમાં ચિંતાજનક રીતે કેસમાં વધારો થયો હોવાથી પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં તેની માટે રિઝર્વ બેડની સંખ્યા, વેન્ટિલેટર, પીપીઈ કિટ અને દવાનો પૂરતો સ્ટોક કરવામાં આવ્યો છે.મલેરિયા અનેે એચવનએનવનના દર્દીની સંખ્યામાં વધારા સામે જોકે ડેન્ગ્યૂના કેસમાં ઘટાડો જણાયો છે. ૨૦૨૫માં ૧,૯૭૨ દર્દી સામે આ વર્ષે ત્રણ મહિનામાંં ફકત ૧,૫૬૩ દર્દી નોંધાયા છે.

એટલે કે ડેન્ગ્યૂના કેસમાં લગભગ ૨૦.૭ ટકાથી ઘટાડો નોંધાયો છે. ચિકનગુનિયા અને લેપ્ટોસ્પાયરોસિસના કેસમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ચિકનગુનિયાના દર્દી ૩૭૦ પરથી ૪૬ અને લેપ્ટોસ્પાયરોસિસના દર્દીના ૪૦૬ પરથી ૨૫૫ થયા છે.મલેરિયા અને ડેન્ગ્યૂને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત સર્વેક્ષણ કરવાની સાથે જ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ૩૧ ઑગસ્ટ સુધી ૫૦,૬૨૨ ઘરનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, તેમાં ૨,૩૪,૪૯૯ નાગરિકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. તો ૭૯,૦૦૦થી વધુ લોહીના નમૂના ભેગા કરવામાં આવ્યા હતા.

ચોમાસામાં પાણીજન્ય બીમારી પર નિયંત્રણ રાખવા માટે પાલિકા મચ્છરોના ઉત્પત્તિના સ્થળોને શોધીને લાર્વાને નષ્ટ કરવાનું કામ કરે છે, જેમાં મલેરિયા માટે જવાબદાર ગણાતા એનોફિલીસ મચ્છરોની ઉત્પત્તિના ૮,૦૫૫ સ્થળ મળી આવ્યા હતા. તો  ડેન્ગ્યૂ માટે જવાબદાર ગણાતા એડિસ મચ્છરોના ઉત્પત્તિના  ૨૭,૩૫૨ સ્થળ મળી આવ્યા હતા.