Sat Sep 05 2026

Logo

ધરમપુરમાં મટકીફોડની તકરારમાં હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર હુમલો, છ ગંભીર

2026-09-05 11:17:00
Author: Mayur Patel
ધરમપુરમાં મટકીફોડની તકરારમાં હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર હુમલો, છ ગંભીર

વલસાડઃ રાજ્યમાં ગઈકાલે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ હતી. ઘણી જગ્યાએ મટકી ફોડનું આયોજન થયું હતું. આ દરમિયાન વલસાડના ધરમપુરમાં મટકીફોડ સ્પર્ધામાં થયેલી સામાન્ય તકરાર લોહીયાળ બની હતી. મળતી વિગત પ્રમાણે, ધરમપુર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં મોડી રાત્રે ઘાતક હથિયારો સાથે ધસી આવેલા અસામાજિક તત્વોએ રૂમમાં વાંચતા નિર્દોષ વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં છથી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે લોહીલુહાણ થતાં હોસ્ટેલ પરિસરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સમગ્ર વિવાદની શરૂઆત વનરાજ કોલેજ કેમ્પસ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા મટકીફોડ કાર્યક્રમ દરમિયાન થઈ હતી. કાર્યક્રમ વખતે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને બહારના કેટલાક યુવકો વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે સમયે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ બહારના શખ્સોએ આ સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી વિદ્યાર્થીઓને પાઠ ભણાવવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડી કાઢ્યું હતું.

રાત્રે આશરે વિદ્યાર્થીઓ પોતપોતાના રૂમમાં શાંતિપૂર્વક અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક બહારથી આવેલા સશસ્ત્ર અસામાજિક તત્વોનું ટોળું હોસ્ટેલની લોબીમાં ધસી આવ્યું હતું. ટોળાએ લોખંડના પાઇપ, લાકડાના મજબૂત દંડા, ક્રિકેટના સ્ટમ્પ તથા હાથમાં પહેરવાના ધાતુના કડા વડે વિદ્યાર્થીઓને ફટકારવાનું શરૂ કર્યું હતું. જેના કારણે હોસ્ટેલ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી.

 સાથી વિદ્યાર્થીઓને બચાવવા વચ્ચે પડેલા છાત્રો પર પણ હુમલાખોરો તૂટી પડ્યા હતા. આ હિંસક હુમલામાં છ વિદ્યાર્થીઓને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ધરમપુર પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાબડતોબ હોસ્ટેલ અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી 16 નામજોગ તથા અન્ય અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.