Fri Oct 02 2026

Logo

વિશેષઃ શિક્ષક હવે કન્ટેન્ટ ક્રિએટર્સ પણ બન્યા છે!

2026-09-05 09:58:00
Author: Shailendra Sinh
વિશેષઃ શિક્ષક હવે કન્ટેન્ટ ક્રિએટર્સ પણ બન્યા છે!

શૈલેન્દ્ર સિંહ

એક સમય હતો જ્યારે શિક્ષકની દુનિયા શાળાના બેલ, ક્લાસરૂમની ચાર દીવાલો, બ્લેકબોર્ડ અને વિદ્યાર્થીઓની નોટબુક સુધી સીમિત માનવામાં આવતી હતી, પરંતુ આજે એ જ શિક્ષક મોબાઈલ કેમેરા સામે ઊભો છે, યુટ્યૂબ પર લેક્ચર આપી રહ્યો છે, ઇન્સ્ટાગ્રામ પર કોઈ અઘરા વિષયને 60 સેકન્ડની રીલમાં સરળતાથી સમજાવી રહ્યો છે, પોડકાસ્ટમાં શિક્ષણ પર ચર્ચા કરી રહ્યો છે અને ઓનલાઇન કોર્સ દ્વારા દેશના દૂર-દૂરના વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે. 

કહેવાનો અર્થ એ છે કે શિક્ષકનો ક્લાસરૂમ હવે માત્ર એક રૂમ સુધી સીમિત નથી, પરંતુ ઇન્ટરનેટ પર ખુલતી અસંખ્ય બારીઓમાંથી ઝાંખી રહ્યો છે. શિક્ષક હવે માત્ર `નોલેજ પ્રોવાઇડર' નથી રહ્યો, પરંતુ કન્ટેન્ટ ક્રિએટર, કમ્યુનિકેટર, મેન્ટર અને ક્યારેક પોતે જ એક `એજ્યુકેશન બ્રાન્ડ' પણ બની ગયો છે.

એક શિક્ષક જે ક્યારેક 40-50 કે વધુમાં વધુ 100 વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભણાવતા હતા, આજે ઇન્ટરનેટના માધ્યમથી તેઓ હજારો, લાખો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. પહેલાં જ્યાં કોઈ શિક્ષકનો વર્ગ, વર્ગ પૂરો થયા પછી સમાપ્ત થઈ જતો હતો, પરંતુ આજે જો કોઈ શિક્ષક ઓનલાઇન વર્ગ લઈ રહ્યા છે, તો તેઓ ભલે 40-50 કે 60 મિનિટ પછી ક્લાસ પૂરો કરી દે, પણ તેમનું ભણાવેલું ક્યારેય સમાપ્ત થતું નથી. તે વર્ષો સુધી ડિજિટલ દુનિયામાં ઉપલબ્ધ રહે છે. આ ટેકનોલોજીનો જ કમાલ છે કે આજે કોઈ દૂર-દૂરના ગામડામાં રહેલો વિદ્યાર્થી દિલ્હી, મુંબઈ કે બેંગલુના કોઈ શિક્ષકના લેક્ચરને જોઈ શકે છે, સાંભળી શકે છે અને તેનાથી શીખી શકે છે. 

કન્ટેન્ટ ક્રિએટર બન્યા પછી શિક્ષકનું કામ માત્ર ભણાવવા પૂરતું નથી રહ્યું, હવે તેમણે એ પણ વિચારવું પડે છે કે આખરે કેવી રીતે ભણાવવું અને પોતાના વિષયને કેવી રીતે રજૂ કરવો જેથી સમગ્ર દુનિયામાં તેમની વાહવાહ થાય. વાસ્તવમાં એક સારા ક્લાસરૂમ લેક્ચર અને ડિજિટલ ક્નટેન્ટ વિડીયો વચ્ચે તફાવત હોય છે. કેમેરા સામે શિક્ષકે પોતાની ભાષા, અવાજ, બોડી લેંગ્વેજ, લાઈટિગ, પ્રેઝન્ટેશન અને ઓડિયન્સ રિટેન્શન સુધીની બાબતોનું ધ્યાન રાખવું પડે છે. 

ક્લાસરૂમમાં ભણાવતી વખતે શિક્ષક જો એકાદ શબ્દની ભૂલ પણ કરી દે, તો વર્ગ પૂરો થયા પછી તે વાત વિસરાઈ જતી હોય છે અથવા તો એવું કહી શકાય કે આગામી વખતે શિક્ષક તેને સુધારી શકે છે. પરંતુ જો એકવાર વીડિયોમાં કોઈ શિક્ષકે કંઈક ખોટું બોલી દીધું, તો વર્ષો સુધી તેમની ભૂલ પકડવા માટે ત્યાં ઉપલબ્ધ રહે છે. એનો અર્થ એ છે કે આજે જ્યારે શિક્ષક કન્ટેન્ટ ક્રિએટર બની ગયા છે, ત્યારે તેમણે ક્લાસરૂમ કરતાં દસ ગણું વધુ સચેત રહેવું પડે છે. માત્ર પોતાની ભાષા માટે જ નહીં, પરંતુ પોતાના ઉચ્ચારણ અને ભણાવતી વખતે ઉપયોગમાં લેવાયેલા તથ્યોની સત્યતા પણ સુનિશ્ચિત કરવી પડે છે. 

કારણ કે જો ભૂલથી પણ કંઈક ખોટું ભણાવી દીધું, તો તેને પકડવું હવે ખૂબ સરળ બની ગયું છે. આજે શિક્ષકે માત્ર ભણાવવાનો ઉપક્રમ નથી કરવાનો હોતો, પરંતુ ભણાવવાની કળામાં નિપુણ પણ બનવું પડે છે. કારણ કે ડિજિટલ ક્નટેન્ટમાં ક્યારેક કોઈ વિષય 50 મિનિટમાં ભણાવવાનો હોય છે, તો ક્યારેક એ જ વિષય માત્ર પાંચ મિનિટના શોર્ટ વીડિયોમાં સમજાવવાનો હોય છે. આ સાથે જ ઇન્ફોગ્રાફિક, ક્વિઝ અને પોડકાસ્ટમાં અલગ શૈલી અપનાવવી પડે છે, એટલે કે શિક્ષકે હવે માત્ર ભણાવવાનું નથી હોતું, પરંતુ કમ્યુનિકેશનની કળામાં એટલે કે ભણાવવાની પદ્ધતિમાં પણ મહારત હાસિલ કરવી પડે છે.

આનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે શિક્ષણની પહોંચ ખૂબ દૂર સુધી થઈ ગઈ છે. પહેલાં, જો કોઈ વિદ્યાર્થી ક્લાસમાં કોઈ વિષય સમજી શકતો ન હતો, તો તેમના માટે શિક્ષકને ફરીથી સમજાવવાનું કહેવું ઘણીવાર મુશ્કેલ હતું.

આજે આ સમસ્યા બિલકુલ દૂર થઈ ગઈ છે. જો કોઈ વિદ્યાર્થીને એકવારમાં વીડિયો સમજમાં ન આવે, તો તે તેને વારંવાર જોઈને સમજી શકે છે. જ્યાં સમજવું અઘં લાગી રહ્યું હોય, ત્યાં તેને પોઝ બટન દબાવીને વારંવાર આગળ-પાછળ કરીને સાંભળી કે જોઈને પણ સમજી શકે છે. વીડિયો ટીચિંગના કારણે આજે વિદ્યાર્થીઓને કોઈ વિષયના વિશ્લેષણને સમજવામાં વધુ સરળતા રહે છે. પહેલાં એકવાર શિક્ષકે જે બોલી દીધું, તેને સમજવામાં જો વિદ્યાર્થી ચુકી ગયા, તો કોઈ ગેરંટી ન હતી કે ફરીથી તેને સમજવાની તક મળી જ જાય. 

પરંતુ આજે ઈચ્છે તો કોઈ વિદ્યાર્થી ગમે તેટલી વાર તેને સાંભળી શકે છે અને સાંભળીને સમજી શકે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે, જેઓ મોટાં શહેરોની મોંઘી કોચિંગ સંસ્થાઓ સુધી પહોંચી શકતા નથી. આવા વિદ્યાર્થીઓ સારા શિક્ષકોના ડિજિટલ ક્નટેન્ટનો લાભ ઉઠાવી શકે છે. કદાચ એટલા માટે જ આજે સારા શિક્ષકોની પહોંચ ખૂબ દૂર સુધી થઈ ગઈ છે.

આજે અવધ ઓઝા, વિકાસ દિવ્યકીર્તિ અને ખાન સર જેવા શિક્ષકો કોઈ કોલેજ, કોઈ ક્લાસરૂમ, કોઈ કોચિંગ એકેડેમી કે કોઈ શહેર સુધી સીમિત નથી. તેઓ દેશના ખૂણે-ખૂણામાં સાંભળવામાં અને સમજવામાં આવે છે. કન્ટેન્ટ ક્રિએશને શિક્ષકોને પોતાની પ્રોફેશનલ ઓળખ બનાવવામાં ભરપૂર મદદ કરી છે. આજે જો કોઈ વ્યક્તિ પોતાના વિષયનો નિષ્ણાત હોય, તો તેણે ભલે ઔપચારિક રીતે શિક્ષણની ડિગ્રી ન પણ લીધી હોય, તો પણ તે દેશ અને દુનિયાનો લોકપ્રિય શિક્ષક બની શકે છે; 

એટલે કે ટેકનોલોજીએ માત્ર શિક્ષણના વ્યવસાયને જ અત્યંત સમૃદ્ધ નથી બનાવ્યો, પરંતુ શિક્ષકને પણ મહત્ત્વપૂર્ણ બનાવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે આ સુવિધામાં કેટલાંક જોખમો પણ રહેલા છે. કારણ કે આજે શિક્ષણ અને મનોરંજન વચ્ચેની સીમા ધૂંધળી થઈ ગઈ છે. ઘણા શિક્ષકો લોકપ્રિય શિક્ષણના નામે ભણાવવાની જગ્યાએ મનોરંજન કરવા લાગે છે અને તેઓ આ બધામાં ખૂબ લોકપ્રિય પણ બની જાય છે.