Mon Oct 05 2026

Logo

મુક્કાબાજીમાં વધુ બે અને કુસ્તીમાં એક ગોલ્ડ મળ્યો, ભારત પાંચમા નંબર પર આવી ગયું!

Nagoya   2026-10-02 17:22:23
Author: Ajay Motiwala
મુક્કાબાજીમાં વધુ બે અને કુસ્તીમાં એક ગોલ્ડ મળ્યો, ભારત પાંચમા નંબર પર આવી ગયું!

નાગોયાઃ જાપાનની એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતે શુક્રવારના 14મા દિવસે પાંચ ગોલ્ડ મેળવ્યા જેમાંથી ત્રણ બૉક્સિંગના, એક રેસલિંગનો અને એક આર્ચરીનો છે. સવારે મુક્કાબાજીમાં લવલીના બોર્ગોહેઇને અને તીરંદાજીમાં અંકિતા ભકત, કીર્તિ શર્મા અને કુમકુમ મોહોદે ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો ત્યાર બાદ બપોરે અને સાંજે દેશને બૉક્સિંગના બીજા બે ગોલ્ડ મળ્યા હતા. મહિલા વર્ગમાં પરવીન હૂડા (Hooda)એ અને પુરુષ વર્ગમાં અંકુશ પંઘાલે ગોલ્ડ જીતીને તેમ જ કુસ્તીમાં સુજીત કલ્કલે જીતીને ભારત (India)ને મેડલ-ટેબલમાં પાંચમા નંબર પર લાવી દીધું હતું. એશિયન ગેમ્સના ઇતિહાસમાં બૉક્સિંગમાં ભારતે આ વખતે સૌથી સારું પર્ફોર્મ કર્યું છે, કારણકે ત્રણ ગોલ્ડ અને ત્રણ બ્રૉન્ઝ સહિત કુલ છ ચંદ્રક જીતી લીધા છે.

ભારતને શુક્રવાર સાંજ સુધીમાં વધુ પાંચ ગોલ્ડ મેડલ મળ્યા અને કુલ 15 ગોલ્ડ, પચીસ સિલ્વર તથા 35 બ્રૉન્ઝ મેડલ ગણતાં ભારત કુલ 75 ચંદ્રક સાથે પાંચમા સ્થાને હતું. હજી થોડા દિવસ પહેલાં ભારત છેક 14મા અને ત્યાર બાદ 12મા નંબર પર હતું, પરંતુ જેમ-જેમ એક પછી એક ગોલ્ડ મેડલ આવતો ગયો એમ મેડલ-ટેબલમાં ભારતે પ્રગતિ કરી અને ખેલકૂદમાં કાબેલ ગણાતા બાહરિન, કઝાખસ્તાન, ઇરાન અને થાઇલૅન્ડને પાછળ મૂકીને ટૉપ-ઑર્ડરમાં આવી ગયું. 2022ની પાછલી એશિયન ગેમ્સમાં ભારત 28 ગોલ્ડ સહિત કુલ 106 ચંદ્રક સાથે ચોથા નંબર પર રહ્યું હતું.

શુક્રવારે મહિલાઓની તીરંદાજીમાં અંકિતા, કીર્તિ, કુમકુમે ટીમ રીકર્વમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો ત્યાર પછી મહિલાઓની મુક્કાબાજીમાં લવલીનાએ 75 કિલો વર્ગમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. પરવીન હૂડાએ 65 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી બતાવ્યો હતો. તેણે લવલીના તથા પરવીને ભારતના 12 વર્ષના ઇન્તેજારનો અંત લાવી દીધો હતો અને બૉક્સિંગ-લેજન્ડ એમ. સી. મૅરી કૉમની બરાબરી કરી હતી. ત્યાર બાદ અંકુશ પંઘાલ પુરુષોમાં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતનાર અમિત પંઘાલ પછીનો પ્રથમ ભારતીય બૉક્સર બન્યો હતો. અમિત પંઘાલે 2018માં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

લવલીનાએ ફાઇનલમાં ચીનની ઝિયી બાઓને 5-0થી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. પરવીને 2024ની પૅરિસ ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલિસ્ટ તાઇપેઇની ચેન નિએન-ચીનને રસાકસીભર્યા ફાઇનલ બાઉટમાં 3-2થી પરાજિત કરી હતી. અંકુશ પંઘાલે 80 કિલો વર્ગમાં સાઉથ કોરિયાના કિમ મિન્સેઑન્ગને 4-0થી પછાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કુસ્તીમાં 23 વર્ષના સુજીત કલ્કલે ફાઇનલમાં તાજિકિસ્તાનના અબ્દુલમાઝિદ કુદીવન સામે 2-9થી પાછળ રહ્યા પછી સતત આઠ પૉઇન્ટ મેળવીને છેવટે વિજય મેળવ્યો હતો.