Sat Sep 05 2026

Logo

એક નજર ઈધર ભીઃ ડચ ભાષા: માનપાન સાથે મમત્વ

2026-09-05 10:09:00
Author: Kamini Shroff
એક નજર ઈધર ભીઃ ડચ ભાષા: માનપાન સાથે મમત્વ

કામિની શ્રોફ

છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ટૅક્સી અને રિક્ષા ડ્રાઈવર માટે ખપ પૂરતું મરાઠી આવડવું ફરજિયાત કરવા માટે સખતાઈ થઈ રહી છે. મરાઠી શીખી લેવા માટે તેમને એક વર્ષની મુદત આપવામાં આવી છે. ભાષાનો આગ્રહ અને ભાષાની સખતાઈ એ બે અલગ બાબત છે.નૅધરલેન્ડ્સમાં કોઈ સ્ટોરમાં ખરીદી કરવા જાઓ ત્યારે ફૂડ પેકેટ્સ પરની જાણકારી સહિત અનેક બાબતમાં ડચ ભાષાનો જ આગ્રહ જોવા મળે છે. 

જોકે, ડચ ભાષા ન આવડતી હોય તો ખરીદી કરવા પર કોઈ પ્રતિબંધ નથી. સાવકો વ્યવહાર પણ નહીં. સ્ટોરનો કર્મચારી ફાંકડું અંગ્રેજી જાણતો હોય અને તમને બનતી બધી જ મદદ કરવા તત્પર હોય છે. બિલિંગ કાઉન્ટર પર પણ ડચ ભાષામાં જ Contant of Pinnen? (Cash or Card?) એવો સવાલ કરવામાં આવે પણ ઓન્લી ઈંગ્લિશ (મને અંગ્રેજી જ આવડે છે) એમ કહો ત્યારે સસ્મિત અંગ્રેજીમાં વાત કરી તમાં કામ પૂરૂ કરી આપે. પણ જો ડચ ભાષા આવડતી હોય તો સ્ટોરમાં ડાફેરા ઓછા મારવા પડે. કાઉન્ટર પર બેઠેલો કર્મચારી તમે નેધરલેન્ડ્સના ન હોવા છતાં ખપ પૂરતું ડચ જાણો છો એ વાતે રાજી થાય.

ખપ પૂરતું ડચ

મહારાષ્ટ્રમાં કેબ અને રિક્ષાચાલકો માટે ખપ પૂરતું મરાઠી ફરજિયાત રાખવામાં આવતા ડ્રાઈવરોએ એ શીખવાનું શરૂ કરી દીધું છે.નૅધરલેન્ડ્સના ત્રણ મહિનાના લાંબા મુકામ વખતે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદતી વખતે અને અન્ય સ્થળે સમસ્યા ન નડે એટલે અમે પણ કેટલાક શબ્દો શીખી લીધા. આહારમાં કાંદા-લસણ વર્જ્ય હોવાથી એ બે શબ્દો તેમ જ સાકર, માખણ-બટર, શીંગદાણા વગેરે નિયમિત વપરાશની વસ્તુના ડચ પર્યાય મોબાઈલમાં સેવ કરી ગોખી લીધા. 

નમકીન આઈટમના ફૂડ પેકેટ્સ ખરીદતી વખતે એની ઉપર ખાસ ચકાસી લેવાનું કે zonder ui, zonder knoflook or vrij van ui en knoflook લખ્યું છે કે નહીં. Ui એટલે કાંદા, Knoflook એટલે લસણ, Zonder એટલે નથી અને Vrij van એટલે એનાથી મુક્ત છે. ટૂંકમા zonder ui, zonder knoflook એટલે કાંદા - લસણ નથી અને vrij van ui en knoflook એટલે કાંદા લસણ મુક્ત આઈટમ છે એવો અર્થ થાય.

ભાષામાં ડેરી પ્રોડક્ટ્સ

ભાષા અને આહારને સંબંધ હોય? હા, ભાષા અને આહાર વચ્ચે ખૂબ જ ઊંડો અને રસપ્રદ સંબંધ છે. આપણી ખાવા-પીવાની વિભિન્ન ટેવ, સંસ્કૃતિ અને આપણે જે ભાષા બોલીએ છીએ તે બધું એકબીજા સાથે જોડાયેલું હોય છે ડચ ભાષામાં ચીઝ અને માખણ (બટર) સંબંધિત રૂઢિપ્રયોગો છે, કારણ કે ડેરી ફાર્મિંગ અને દૂધની બનાવટો સદીઓથી નેધરલેન્ડની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો રહ્યા છે. ચીઝ અને માખણ ડચ લોકોના ભોજન અને રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ છે અને લોકો માટે વેપાર અને કમાણીનું મુખ્ય સાધન હતા એટલે લોકોના વ્યવહાર અને વાતોમાં આ ચીજો સહજ રીતે વણાઈ ગઈ. 

એક ડચ કહેવત છે De kaas van je brood laten eten - To let the cheese on your bread be eaten. શબ્દાર્થ થાય બ્રેડ પર માખણ તમે લગાડ્યું અને એ બીજું કોઈ ખાઈ જાય. કોઈ તમારો લાભ ઉઠાવી જાય કે તમારી મહેનતના મીઠાં ફળ બીજું કોઈ ઝાપટી જાય એ એનો ભાવાર્થ છે. બીજી કહેવત છે Ergens geen kaas van hebben gegeten - To have eaten no cheese of something. કોઈ બાબતથી સદંતર અજાણ હોવું એવો ભાવાર્થ છે. 

ચીઝ ડચ લોકોના આહાર અને સાંસ્કૃતિક જીવનનો અભિન્ન હિસ્સો છે એટલે નેધરલેન્ડ્સની વ્યક્તિને ચીઝ વિશે જાણકારી ન હોય એ એકદમ વિચિત્ર બાબત ગણાય એ એનો અસલી ભાવાર્થ છે. Leder kaasje heeft zijn gaatje -Every little cheese has its hole. ચીઝ બનાવતી વખતે ફરમેન્ટેશન (આથો લાવવો) પ્રક્રિયા દરમિયાન એમાં છિદ્રો રહી જાય છે એટલે કે તૈયાર કરેલી ચીજમાં કોઈ નજીવી ખામી રહી જાય છે એ શબ્દાર્થ છે. 

એ જ રીતે જીવનમાં કોઈ પરિપૂર્ણ નથી હોતું, દરેકના પોતપોતાના દોષ હોય છે એ એનો ભાવાર્થ છે.આવા અન્ય ઉદાહરણ પણ છે. રસપ્રદ વાત એ છે કે વ્યવહારિક અને સાંસ્કૃતિક જીવનમાં મહત્ત્વ ધરાવતી બાબત ભાષામાં પણ સરસ રીતે વણાઈ ગઈ છે. ડચ લોકોનો સાંસ્કૃતિક પ્રેમ તો બેજોડ છે જ, તેમનો ભાષા પ્રેમ પણ બિરદાવવા જેવો છે.

લાઈબ્રેરીની લાક્ષણિકતા

પુસ્તકાલય- લાઈબ્રેરી કેવળ પુસ્તકો રાખવાની જગ્યા નથી, પરંતુ તે સમાજનો વૈચારિક અને સાંસ્કૃતિક અરીસો છે અને એનો વારસો છે. નૅધરલેન્ડ્સમાં અદ્ભુત અને આધુનિક લાઈબ્રેરીઓ છે. ભાષા પ્રેમનો વિસ્તાર છે. આ પુસ્તકાલયો પુસ્તકો વાંચવા માટે જ નહીં, પરંતુ તેમના આર્કિટેક્ચર માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશમાં પબ્લિક લાઈબ્રેરી નેટવર્ક છે. 

ચાર વર્ષ પહેલા દેશના 18 વર્ષથી ઓછી ઉંમરના 20 લાખ બાળક અને કિશોરો લાઈબ્રેરીના મેમ્બર હતા. આ આંકડો નેધરલેન્ડ્સના યુવા વર્ગના 65 ટકા હતો. અમારો મુકામ હતો એ આલમીર શહેરમાં એક ત્રણ માળની આલીશાન લાઈબ્રેરી છે. સવારના 10 વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી રહે. લાઈબ્રેરીમાં જ્યાં જુઓ ત્યાં કેવળ અને કેવળ ડચ ભાષામાં જ વિવિધ વિષયના પુસ્તકો જોવા મળે. 

અંગ્રેજી સેક્શન રીતસરનું શોધવું પડ્યું અને પુસ્તકોની સંખ્યા અત્યંત નજીવી. ડચ ભાષાના ત્રીસેક હજાર (સંભવત: એથી વધુ) પુસ્તકો સામે અંગ્રેજી પુસ્તકો માંડ હજારેક. માતૃભાષા માટે કેવું મમત્વ અને માનપાન. બાળકો માટે ઈન્ટરએક્ટિવ સેશન્સ જેમાં સ્ટોરી ટેલિંગ, વિવિધ પ્રકારની ગેમ્સ. લાઈબ્રેરીમાં ફ્રી વાઈ ફાઈ ઉપલબ્ધ. ગમે ત્યાં બેસીને કામ કરવાની છૂટ અને હા, લાઈબ્રેરીમાંથી વોટ્સઍપ કોલ ન થઈ શકે, માત્ર મેસેજ કરી શકાય. એક સાથે 500થી 1000 લોકો હોય તો પણ જરાય ખલેલ ન પડે.