નાગોયાઃ જાપાનની એશિયન ગેમ્સ (Asian Games)માં બુધવારે સવારે તેલંગણાની 21 વર્ષીય તીરંદાજ ચિકિતા રાવ તનિપર્થીએ ઉપરાઉપરી બે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો ત્યાર પછી મંગળવારની ગોલ્ડન ગર્લ નીરુ ઢાંડાએ શૂટિંગમાં બીજો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેના ઉપરાંત તીરંદાજ સાહિલ જાધવે પણ ગોલ્ડ મેડલ (Gold Medal) પોતાના નામે કર્યો હતો. ટૂંકમાં, બુધવાર બપોર સુધીમાં ભારતે એક જ દિવસમાં ચાર ગોલ્ડ મેડલ જીતી લીધા હતા.

શૂટિંગમાં જાપાનમાં મનુ ભાકરનું કામ નીરુ ઢાંડા પાર પાડી રહી છે. 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર હરિયાણાની મનુ ભાકર આ વખતે એશિયન ગેમ્સમાં નિષ્ફળ રહી છે, પરંતુ હરિયાણાની જ નીરુ ઢાંડા બબ્બે સુવર્ણચંદ્રક જીતી છે. તેણે મિક્સ્ડ ટ્રૅપ ટીમ ઇવેન્ટમાં કીનાન ચેનાઈ સાથેની જોડીમાં ફાઇનલમાં 34ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કતારના મોહમ્મદ અલ-રુમાઇહી તથા રે બૅસિલ 32ના સ્કોર સાથે સિલ્વર જીત્યા હતા. 26 વર્ષીય નીરુનો આ બે દિવસમાં બીજો ગોલ્ડ હતો. મંગળવારે તે વિમેન્સ ટ્રૅપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી હતી.
મહારાષ્ટ્રના સાતારાનો પચીસ વર્ષીય સાહિલ જાધવ પણ બુધવારે ચમક્યો હતો. તેણે સવારે ચિકિતા તનિપર્થી સાથેની જોડીમાં મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડમાં ગોલ્ડ મેડલ જીતી લીધા બાદ હરિયાણાના કુશાલ દલાલ તેમ જ તમિળનાડુના ટી. જી. મણિરત્નમ સાથે મળીને દેશને મેન્સ ટીમ કમ્પાઉન્ડનો સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. તેમણે ફાઇનલમાં ચીનના લિઆઓ-લિઉ-શીની ત્રિપુટીને અત્યંત રોમાંચક મુકાબલામાં 238-237ના તફાવતથી માત આપી હતી.
ચિકિતા-સાહિલ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય
એ પહેલાં, ચિકિતા તનિપર્થીએ કમાલ જ કરી હતી. તેણે બુધવારના એક જ દિવસમાં બે ગોલ્ડ મેળવ્યા હતા. તેણે પ્રીતિકા પ્રદીપ તથા જ્યોતિ સુરેખા વેન્નમ સાથે મળીને મહિલાઓના ટીમ કમ્પાઉન્ડ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ચિકિતાએ પછીથી સાહિલ જાધવ સાથેની જોડીમાં ભારતને આર્ચરીમાં મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડનો સુવર્ણચંદ્રક પણ અપાવ્યો હતો. ચિકિતા-સાહિલે આ મેડલ મેળવવાની સાથે 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં એન્ટ્રી પણ મેળવી લીધી હતી. તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બે વર્ષ પછીની ઑલિમ્પિક ગેમ્સમાં ક્વૉલિફાય થનાર ભારત પ્રથમ દેશ બન્યો છે.

બુધવારે આ ત્રણ બ્રૉન્ઝ પણ મળ્યા
બુધવારનો દિવસ ભારત માટે શુકનિયાળ નીવડ્યો, કારણકે ચાર ગોલ્ડ મેડલ ઉપરાંત ત્રણ બ્રૉન્ઝ મેડલ પણ ભારતની ઝોળીમાં આવ્યા હતા. મહિલા બૉક્સિંગના 60 કિલો વર્ગમાં પ્રિયા ઘંઘાસે તથા પુરુષોની બૉક્સિંગમાં કપિલ પોખરિયા 90 કિલો વર્ગમાં તેમ જ કુસ્તીમાં સુનીલ કુમારે મેન્સ ગ્રેકો-રોમન 87 કિલો વર્ગમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.