Fri Oct 02 2026

Logo

દેવેન્દ્ર ફડણવીસનો દીપકે પર સીધો પ્રહાર: સીજેપી એટલે 'કોંગ્રેસ જીતાડો પ્રોગ્રામ'

2026-09-30 17:31:20
Author: Mumbai Samachar Team
દેવેન્દ્ર ફડણવીસનો દીપકે પર સીધો પ્રહાર: સીજેપી એટલે 'કોંગ્રેસ જીતાડો પ્રોગ્રામ'

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોકરોચ જનતા પાર્ટી (એટલે કે સીજેપી)ને લઈને હવે સીધું કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ફડણવીસે સીજેપીને ‘કોંગ્રેસ જીતાડો કાર્યક્રમ’ ગણાવી આ સંગઠન કોંગ્રેસને રાજકીય ફાયદો પહોંચાડવા માટે કામ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યના રાજકારણમાં ઉભી થયેલી રાજકીય ખાલી જગ્યા ભરવા માટે આવા પ્રકારના સંગઠનોનો ઉપયોગ થઈ રહ્યો છે.

ફડણવીસે કહ્યું કે સીજેપી કોઈ નાનું સંગઠન નથી અને તેની પાછળ અન્ય સંગઠનો પણ કામ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે સીજેપીની બેઠકોમાં અગાઉ ભારત જોડો યાત્રા સાથે જોડાયેલા સંગઠનોના લોકો પણ જોવા મળે છે. 
ફડણવીસના જણાવ્યા મુજબ લોકસભાની તાજેતરની ચૂંટણી પહેલાં આશરે 189 ડાબેરી વિચારધારાવાળા સંગઠનો એકસાથે આવ્યા હતા અને તેમણે કોંગ્રેસને ફાયદો થાય તેવું રાજકીય વાતાવરણ ઊભું કર્યું હતું.

મુખ્ય પ્રધાને એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને સીજેપીની કાર્યપદ્ધતિમાં સમાનતા જોવા મળે છે. તેમના કહેવા પ્રમાણે બંધારણનો ઉલ્લેખ કરીને બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવવાની રાજકીય પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. 
આ પ્રકરણે સીજેપી તરફથી આ મુદ્દે અલગ વલણ વ્યક્ત કરવામાં આવ્યું છે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ અગાઉ ફડણવીસની ટીકા કરતાં સારા શિક્ષણ અને શાળાઓની સુવિધા જેવી માંગણીઓને સરકાર વિરોધી ગણાવી શકાય નહીં એવો સવાલ કર્યો હતો.

સીજેપી હાલમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર મુદ્દે પણ સક્રિય છે. સંગઠને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે અને મતદાર યાદીમાં ફેરફારોને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. 
તાજેતરમાં સીજેપીએ મુખ્ય ચૂંટણી કમિશનરને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું અને માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ફરી મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી.

દરમિયાન, ફડણવીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘છાત્રોની ગૂંજ’ કાર્યક્રમની પણ ટીકા કરી હતી. તેમણે આ કાર્યક્રમને ‘જૂઠની ગૂંજ’ ગણાવ્યો અને વિપક્ષ પર વિવિધ મુદ્દાઓને લઈને સરકાર વિરુદ્ધ રાજકીય વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. આ નિવેદનો મહારાષ્ટ્રમાં આગામી રાજકીય મુદ્દાઓને લઈને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપનો ભાગ છે.