દેવલ શાસ્ત્રી
1960ના દાયકાની દુનિયા અલગ રીતે શરૂ થઇ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમમાં ઉદ્યોગ વધી રહ્યો હતો, બજાર નવેસરથી કરવટ બદલી રહ્યું હતું. શહેરો આધુનિક બની રહ્યાં હતાં અને યુવાનોને પહેલાં કરતાં વધારે તક મળવા લાગી હતી.
1960ના દાયકાની સૌથી મોટી ક્રાંતિ રસ્તા પર કે ઓફિસમાં નહોતી થઈ. પણ માણસના મનમાં થઈ હતી. વિશ્વયુદ્ધ પછી નવેસરથી સમૃદ્ધિ આવી. નવી ટેક્નોલોજી, વધતી ખરીદશક્તિ અને આધુનિક બનતાં શહેરોની વચ્ચે પશ્ચિમની યુવા પેઢીનો સંઘર્ષ ઘટી ગયો હતો. તેણે પોતાને જ સવાલ પૂછવાનું શરૂ કર્યું, બધું સુખ મળ્યા પછી હવે જીવવાનું કેવી રીતે? સારી નોકરી, ઘર, લગ્ન, બાળકો, પૈસા અને નિવૃત્તિ માતા-પિતાએ જે રસ્તો પસંદ કર્યો હતો એ જ રસ્તે ચાલવું શા માટે?
આ પેઢીના વિચારશીલ ભાગને અંદરથી કંઈક ખટકતું હતું. દુનિયા આધુનિક થઈ રહી છે. દુનિયા બદલાવા લાગી હતી દુનિયાની રાજનીતિ હોય કે વિજ્ઞાનમાં માતબર ફેરફાર આવ્યા.. પ્રશ્ન એ થવા લાગ્યો કે બધું બદલાય તો પછી માણસના જીવનની વ્યાખ્યા નવી કેમ નહીં?
ત્યારે સમસ્યાઓ રાજકારણમાં નહીં, સંસ્કૃતિમાં દેખાઈ. ફ્રાન્સમાં યુવાન ફિલ્મકારોએ ફિલ્મને જ સવાલ કરવાનું શરૂ કર્યું. ફિલ્મો ઇતિહાસ, સમાજ કે સમસ્યાઓના જવાબ હતી. ફ્રાંસ્વા ત્રુફોની ` ધ 400 બ્લોઝ (1959) ' અને ઝાં-લુક ગોદાર્દની `બ્રેથલેસ (1960)' જેવી ફિલ્મોએ સ્ટુડિયોની ગોઠવેલી દુનિયાથી કેમેરાને બહાર કાઢ્યો.
પેરિસની ગલીઓ, કેફે, કાર, યુવાનો, પ્રેમ, એકલતા, મૂંઝવણ જીવન જેવું છે એ જ રીતે પડદા પર આવવું જોઈએ એવો આગ્રહ હતો. ગોદાર્દે તો ફિલ્મના પરંપરાગત એડિટિગ અને સ્ટોરી ટેલિંગ રીત સાથે અઢળક નવા પ્રયોગો કર્યા. ફિલ્મ બનાવવામાં સવાલ પૂછતાં, આ રીતે જ કેમ, જૂનું બદલવામાં શું સમસ્યા છે? નવું કેમ નહીં?
અમેરિકામાં સવાલ થોડો વધુ મોટો હતો. ત્યાં યુવાનોને ફિલ્મના નિયમો નહીં, જીવનના નિયમો પર વાંધો હતો. વિયેતનામ લડાઈ સામેનો વિરોધ વધતો ગયો. નાગરિક અધિકારોની ચળવળ, નવા સંગીત, બિઝનેસ જ અગત્યનો થવા લાગ્યો હતો. આ સામે અસંતોષ અને વ્યક્તિગત સ્વતંત્રતાની ઇચ્છા વધવા લાગી. બધું ભેગું થયું અને એક વિશાળ કલ્ચર એટલે Hippie યુગ આવ્યો : `દુનિયા ગઈ ભાડમાં મને જીવવા દો' એ પેઢીનો પ્રશ્ન માત્ર અમને શું મળ્યું? એવો નહોતો. પ્રશ્ન હતો કે, અમારા માટે નક્કી કોણ કરશે કે જીવનની વ્યાખ્યા શું છે?
હિપ્પી શબ્દ ધીમે ધીમે માત્ર લાંબા વાળ, રંગીન કપડાં કે સંગીત બહાર નીકળ્યો એ પેઢી વડીલ બનીને આદર્શ જ્ઞાન આપવા નીકળે છે. યુદ્ધથી કંટાળેલી, ભૌતિક સફળતાની એકસરખી દોડથી અસંતુષ્ટ અને જીવનની બીજી શક્યતા શોધતી પેઢી હતી.
1969નું વુડસ્ટોક જે એ પેઢીને દુનિયાની સામે ઊભી કરી ગયું. ન્યૂ યોર્ક નજીક 15થી 18 ઑગસ્ટ દરમિયાન યોજાયેલા સંગીત મહોત્સવમાં આશરે ચાર લાખ લોકો પહોંચ્યા. શરૂઆતમાં જે સંખ્યા ધારવામાં આવી હતી એ કરતાં ભીડ એટલી વધી ગઈ કે કાર્યક્રમ નિ:શુલ્ક બની ગયો. વરસાદ, કાદવ, ભીડ, ખોરાક અને રહેવાની મુશ્કેલીઓ વચ્ચે પણ લોકો ત્રણ દિવસ સંગીત સાંભળતા રહ્યા. આજે આ ઘટના યાદ કરીએ ત્યારે માત્ર સંગીતકારો યાદ આવતા નથી; એક એવી પેઢીનો ચહેરો યાદ આવે છે જેને પહેલી વાર લાગ્યું હતું કે પોતાના જેવા વિચારતા લોકો દુનિયામાં ઘણા બધા છે.
આ જ સમયગાળામાં પશ્ચિમના યુવાનોની નજર ભારત તરફ વળી. સંગીત, ધ્યાન, આધ્યાત્મિકતા અને પશ્ચિમના ભૌતિક જીવનથી અલગ જીવનપદ્ધતિ વિશેની ઉત્સુકતા વધી. બીજી બાજુ ભારતીય સિનેમા પણ પશ્ચિમના સંગીત, ફેશન અને યુવા સંસ્કૃતિના પ્રભાવથી અજાણ્યું નહોતું. આ બે દિશા વચ્ચે 1971માં દેવ આનંદની `હરે રામ હરે કૃષ્ણ' ફિલ્મ આવી. ઝીનત અમાનની જસબીર, જેને જેનિસ તરીકે ઓળખવામાં આવે છે એણે હિપ્પી જીવનને ભારતીય પડદા પર આબાદ મૂકી દીધું.
અહીંથી પેરિસના ગોદાર્દની `બ્રેથલેસ'નો યુવાન અને `હરે રામ હરે કૃષ્ણ`ના જેનિસ વચ્ચે અંતર હોવા છતાં સંવાદ દેખાય છે. બંને કોઈ ચળવળના ભાગ નથી. ગોદાર્દ ફ્રેન્ચ સિનેમાની ભાષા બદલી રહ્યો છે, અમેરિકન કાઉન્ટરકલ્ચરની અસર સાથે પોતાનું અસ્તિત્વ શોધી રહ્યો છે. એ અને `હરે રામ'ની જેનિસની એક જ પ્રકારની બેચેની છે.
આ બધા વચ્ચે આર્ટ ફિલ્મોનો મૌલિક યુગ શરૂ થયો. દુનિયાની ક્રાંતિએ આ ફિલ્મોને નવો દર્શક વર્ગ આપ્યો. નસીદ્દીન શાહ, સ્મિતા પાટીલ, શબાના આઝમી હોય કે ઓમ પુરી ડાર્ક મુવીનો સુવર્ણ યુગ આવ્યો હતો...
હિપ્પી સંસ્કૃતિનાં નામ પર બદીઓ ફેલાવા લાગી. એ બદનામ બન્યા અને મૂળ હેતુ માર્યો ગયો. પણ હા, ભારતમાંથી પ્રબુદ્ધ ચિંતકો મળ્યા ક્રિશ્નમૂર્તિથી માંડીને ઓશો અને પરમહંસ યોગાનંદ, સ્વામી રામથી માંડીને નીમ કરોલી બાબા સુધીના વિદ્વાનોએ જગતને સ્વ તરફ વળવાનો પ્રકાશનો માર્ગ ચીંધ્યો.
એ યુગના યુવાનોના સવાલ ધીમે ધીમે દુનિયાભરમાં ફેલાવા લાગ્યા. સંગીત બદલાયું. ફિલ્મોની ભાષા બદલાઈ. કપડાં બદલાયાં. પ્રેમ અને સંબંધો વિશે વાત કરવાની રીત બદલાઈ. યુવાનો માત્ર દર્શક ન રહ્યા. તે જીવનની સ્વતંત્રતા પર મુક્ત બનીને ચર્ચામાં ઉતર્યા.
1960ના દાયકાની બદલાતી તસવીરની પાછળ સામાન્ય માણસ હતો, જે કદાચ એકલો બેઠો હતો અને વિચારતો હતો, મને જે જીવન મળ્યું છે એ જ જીવન જીવવું પડશે?
આ સવાલનો રેડીમેડ ઉત્તર નહોતો આજે પણ નથી આપણી અંદરનો કોઈ માણસ બોલે છે અને ધીમેથી પૂછે છે, તું જે જીવે છે એ ખરેખર તારી પસંદગી છે? કે પછી તું પણ ઈમ્તિયાઝ અલીની `હાઇ-વે' કે `તમાશા'ની જેમ પચાસ વર્ષ પછી પણ હજુ ભટકી જ રહ્યો છે?
ધ એન્ડ
મગજ ખુલ્લું રાખવામાં એક જ સમસ્યા છે કે લોકો પોતપોતાની વાતો એમાં નાખવાની કોશિશ કરતા રહે છે. - ટેરી પ્રેચેટ