Sat Sep 05 2026

Logo

મસ્તરામની મસ્તીઃ છેડા ભેગા થાય એ પહેલાં છૂટાછેડા?

2026-09-05 08:13:00
Author: Milan Trivedi
મસ્તરામની મસ્તીઃ છેડા ભેગા થાય એ પહેલાં છૂટાછેડા?

મિલન ત્રિવેદી

તાજેતરમાં મારા એક મિત્ર રોકીના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડાનું કારણ શું? કોઈ આડાસંબંધ? ના. વહુનો અહંકાર? ના. સાસુનો ત્રાસ? અરે, ના ભાઈ ના! કારણ હતું: `જો છૂટાછેડા થાય, તો લગ્નમાં આવેલા ચાંદલાના પૈસા કોણે કોને પાછા આપવાના?'

છે ને ઈન્ટ્રસ્ટિંગ?
ફેરા અને વિદાય વચ્ચેનો નવરાશનો સમય એવું લાગે કે હોવો ન જોઈએ. નવરા બેઠા ચર્ચા કરો પણ આવો કોઈ વિષય હોય? ધારો કે આ લગ્નમાં છૂટાછેડા થાય તો ચાંદલા કર્યા તેનું શું? બસ, આ એક જ વૈજ્ઞાનિક અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર દલીલમાં બે પરિવાર સામસામે આવી ગયા, કાયદાની કલમો ફાટી પડી અને છેવટે મામલો લગ્નમાંથી છૂટાછેડા સુધી પહોંચી ગયો!

માજરો કંઈક એવો હતો કે રોકી અને તેની પત્ની સ્વીટુ વચ્ચે નાની-મોટી બોલાચાલી ચાલી રહી હતી. હજુ તો વાત `તું મારા ઘરનું નથી સાંભળતી' અને `તમારા ઘરના બધા ચમચા છે' જેવા પ્રાથમિક તબક્કામાં જ હતી. ત્યાં અચાનક સ્વીટુના બાપે (જે ગામમાં `ડાયરેક્ટ ડિપોઝિટ' તરીકે ઓળખાય છે) વચ્ચે ટાપશી પુરાવી, `જો ભાઈ રોકી, વાત જામતી ન હોય તો આપણે છૂટા પડવું સારું, પણ હા, લગ્નમાં અમારા તરફથી તમારા સગા-સંબંધીઓએ જે 500-500 રૂપિયાના ચાંદલા લખાવ્યા હતા એ બધું રોકડું પાછું આપવું પડશે!'

બસ, આ વાક્ય બોલાયું અને રોકીના બાપના કાનમાંથી ધુમાડા નીકળવા મંડ્યા. રોકીના બાપે ચમચો હવામાં અધ્ધર કરીને કહ્યું, `અરે વેવાઈ! ચાંદલો એ કઈ ફિક્સ ડિપોઝિટ છે કે વ્યાજ સાથે પાછો માગો છો? ચાંદલો તો ગિફ્ટ કહેવાય, ગિફ્ટ! અને વળી ચાંદલો તો છોકરાના પક્ષનો હોય, કારણ કે મંડપમાં રોટલા મારા છોકરાના ભાગના રૂપિયાના ખાધા છે!'

સ્વીટુના બાપે ચશ્માં સરખા કરતા કહ્યું, `મંડપમાં પૂરી-શાક અને ગુલાબજાંબુ અમારા પૈસાના હતા! તમારા મામાએ જે 1100 નો ચાંદલો કર્યો હતો, એમાંથી 500 ના તો એમના પાંચ છોકરા ગુલાબજાંબુ ઝાપટી ગયા હતા! હિસાબ બરાબર જ થાય!'
આ સાંભળીને રોકીએ વચ્ચે કૂદીને પૂછ્યું, `પણ કાયદો શું કહે છે? છૂટાછેડા થાય તો ચાંદલો પાછો દેવો પડે કે નહીં?'

દોસ્તો, આ પ્રશ્ન એવો છે જેનો જવાબ ભારતના બંધારણમાં નથી, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં નથી, ચાંદલો લખવા બેઠેલા બેન્કર ફુવાએ મોંમાં મુખવાસ મૂકતાં કહ્યું, `જુઓ રોકીભાઈ, ચાંદલો એ એક પ્રકારનું `રીફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ' છે. જો સંબંધ પૂરો થાય, તો સેવાઓ બંધ થાય અને ડિપોઝિટ જપ્ત્ત થાય!'

સામેથી સટોડિયા સાઢુએ વિરોધ કર્યો, `ના હોં! ચાંદલો તો `શેર બજાર' જેવો છે. મ્યુચ્યુઅલ ફંડની જેમ `સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક'! લગ્ન ચાલ્યા તો ડિવિડન્ડ મળે, છૂટાછેડા થયા તો મૂડી ધોવાઈ જાય! આમાં કોઈ પાછું ન માગી શકે!'

હવે તમે જ વિચારો, આ દેશમાં લગ્ન એ કોઈ સંસ્કાર નથી રહ્યો, પણ એક મોટું `ઈકોનોમિક મોડેલ' બની ગયું છે. લગ્નમાં જ્યારે કોઈ મહેમાન કવરમાં 501/- મૂકે છે ત્યારે એ કોઈ પ્રેમથી નથી મૂકતો. એક્ચ્યુઅલી એ 501 એ ભવિષ્યમાં પોતાના ઘરે આવનારા 501નું `એડવાન્સ બુકિગ' છે! આપણે ત્યાં તો કવર ઉપર નામ પણ એવી રીતે લખવામાં આવે છે જાણે ઈન્કમ ટેક્સની રિટર્ન ફાઈલ કરતા હોય! કવર ખોલીને ઘરના વડીલો તરત જ લાલ ચોપડામાં નોંધ કરે છે: `સુરેશભાઈ શાહ - 501 (નોંધ: એમના દીકરાના લગ્નમાં આપણે 501 જ આપવાના છે, એક રૂપિયો વધારે નહીં!)'

હવે જો રોકી અને સ્વીટુના છૂટાછેડા થઈ જાય, તો આ લાલ ચોપડાના ડેટાબેઝનું શું કરવું? સોફ્ટવેર ક્રેશ થઈ જાય!
રોકીના સાસરી પક્ષનું કહેવું હતું કે: 
જો છૂટાછેડા થાય તો લગ્નમાં આવેલા તમામ ચાંદલા અડધા-અડધા વહેંચાવવા જોઈએ.
જે સંબંધીઓ વરપક્ષ તરફથી આવ્યા હતા અને ક્નયા પક્ષનું ખાણું ખાધું હતું, એમનો ચાંદલો ક્નયા પક્ષને મળવો જોઈએ.

કાકા, મામા કે ફોઈએ આપેલા `સોનાના સિક્કા' ઉપર ફુગાવો ગણીને વર્તમાન ભાવ પ્રમાણે રોકડા ચૂકવવા!
સામે રોકીના બાપનો તર્ક એવો હતો કે : `ચાંદલો એ `નોન-રિફંડેબલ' ફી છે.' 
લગ્નના ફોટોગ્રાફી અને ડીજેના જે પૈસા વપરાયા, એમાં સ્વીટુએ પણ `નાગિન ડાન્સ' કર્યો હતો, તો એનું મનોરંજન ટેક્સ બાદ થવું જોઈએ!

જો ચાંદલો પાછો આપવાનો થાય તો લગ્નમાં વરરાજાને મળેલા રૂમાલ, પંખા અને સ્ટીલના ડબ્બા પણ પાછા લેવા પડશે!
આ દલીલ એટલી હદે વધી ગઈ કે વાત `કોણ સાચું ને કોણ ખોટું' પરથી હટીને `ચાંદલાની રિકવરી' પર આવી ગઈ. બંને પક્ષે પોતપોતાના વકીલો બોલાવી લીધા. વકીલે પણ માથું ખંજવાળીને કહ્યું, `અરે ભાઈ, મેં હિન્દુ મેરેજ એક્ટમાં સ્ત્રીધન વિશે સાંભળ્યું છે, ભરણપોષણ (Alimony) વિશે સાંભળ્યું છે... પણ આ `ચાંદલા રિટર્ન પોલિસી' વિશે ક્યાંય લખ્યું નથી!'

છેવટે, લગ્ન તૂટી ગયા! પત્ની ઘર છોડીને જતી રહી, પ્રેમ હવામાં ઊડી ગયો, પણ `ચાંદલાના હિસાબ'નું કાગળ હજીય રોકીના હાથમાં છે.
હવે સ્થિતિ એ છે કે રોકી રોજ સાંજે ચોપડો લઈને બેસે છે. જે સંબંધીઓએ લગ્નમાં ચાંદલો આપ્યો હતો, એમને રોકી ફોન કરીને પૂછે છે, `મામા, તમે લગ્નમાં 1100 આપ્યા હતા. હવે અમારા છૂટાછેડા થઈ ગયા છે. તો એ પૈસામાંથી 550 હું તમને પાછા મોકલું કે તમે સ્વીટુ પાસેથી વસૂલ કરશો?'

મામા ફોન કાપી નાખે છે!
આ આખી ઘટના પરથી મને તો એક જ જ્ઞાન મળ્યું છે: જો તમારે લગ્નજીવન ટકાવી રાખવું હોય તો પતિ-પત્નીના વિચારો મળે કે ન મળે, પણ ચાંદલાના હિસાબ ક્યારેય ન ખોલવા! લગ્નમાં કવર આપતી વખતે જ નીચે નાની અક્ષરે લખી દેવું જોઈએ: `આ ચાંદલો બિન-પરતપાત્ર છે. લગ્ન તૂટવાની સ્થિતિમાં પૈસા ડૂબત ખાતે ગણાશે. શરતો લાગુ!'

અને હા, જો કોઈ તમને પૂછે કે `છૂટાછેડા થઈ જાય તો ચાંદલો પાછો દેવો પડે કે નહીં?' તો એને કહેજો કે ચાંદલો પાછો આપવા જશો તો બીજા ચાર સંબંધીઓ સાથે છૂટાછેડા થઈ જશે! એટલે શાંતિથી જીવો, ચાંદલો ભૂલી જાવ અને દાંડિયારાસ માણો!

વિચારવાયુ 
છૂટાછેડાનું મૂળ કારણ શું?
લગ્ન બીજું શું?!