નવી દિલ્હી: દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા હતા. જેમાં વર્ષ 2027ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8નો વૃદ્ધિ દર નોંધાયો છે. તેમજ એપ્રિલથી જુલાઈના ત્રિમાસિક ગાળામાં રાજકોષીય ખાધ પણ ઘટીને 26.8 ટકા થઈ છે. જેની પર ટીકાકારોએ સવાલ ઉઠાવતા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.
આંકડો 2011-12 ના બેઝ યર પર આધારિત
આ અંગે સુભાષ ચંદ્ર ગર્ગે આરોપ લગાવ્યો હતો કે પાછલા વર્ષના અનુરૂપ ક્વાર્ટર માટે નોમિનલ GDP માટેનો અંદાજ રૂપિયા 86.05 લાખ કરોડથી ઘટાડીને રૂપિયા 80 લાખ કરોડ કરવામાં આવ્યો હતો જેથી ચાલુ વર્ષના વિકાસ દરને વધુ દેખાડવા આવે. તેના જવાબમાં, મંત્રાલયે સ્પષ્ટતા કરી કે રૂપિયા 86.05 લાખ કરોડનો આંકડો 2011-12 ના બેઝ યર પર આધારિત હતો.
ડેટા શ્રેણીની સીધી સરખામણી કરવી સંપૂર્ણપણે ખોટી
તેમજ જણાવાયું કે જ્યારે વર્ષ 2022-23 બેઝ યર અપનાવવામાં આવ્યું ત્યારે ડેટા સ્ત્રોતોમાં ફેરફાર અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ની નવી શ્રેણીને કારણે પાછલા ક્વાર્ટરનો આધાર રૂપિયા 80.32 લાખ કરોડ થઈ ગયો છે. તેથી બે અલગ અલગ બેઝ યર પર આધારિત ડેટા શ્રેણીની સીધી સરખામણી કરવી સંપૂર્ણપણે ખોટી છે અને ટીકાકારો પરિસ્થિતિને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.
ભારત ડબલ ડિફ્લેશન પદ્ધતિનો ઉપયોગ કરે છે
આ ઉપરાંત ટીકાકારોએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે ઉત્પાદન અને કાચા માલ બંનેના ભાવ વધ્યા હતા ત્યારે ઉત્પાદન અંતર્ગત GVA ડિફ્લેટર -1.5 ટકા પર કેવી રીતે રહ્યું. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ભારત હવે 'ડબલ ડિફ્લેશન પદ્ધતિ'નો ઉપયોગ કરે છે. જેના હેઠળ ઉત્પાદન અને કાચા માલના ભાવ અલગથી ગોઠવવામાં આવે છે.
વાસ્તવિક GVA 9.2 ટકા હતો
જ્યારે કાચા માલનો ખર્ચ ઉત્પાદન કિંમતો કરતાં ઝડપથી વધે છે, ત્યારે વાસ્તવિક GVA વૃદ્ધિ નોમિનલ GVA વૃદ્ધિ કરતાં વધુ દેખાય છે. ત્યારે મંત્રાલયે જણાવ્યું કે ક્વાટર 1 માં નોમિનલ GVA 7.7 ટકા અને વાસ્તવિક GVA 9.2 ટકા હતો, જેના પરિણામે ડિફ્લેટર -1.5 ટકા થયો હતો. આનો અર્થ એ નથી કે ઉત્પાદનો સસ્તા થયા છે.
વૃદ્ધિ દર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત પદ્ધતિઓ પર આધારિત
MoSPI જણાવે છે કે નવા અને વધુ સચોટ ડેટા સ્ત્રોતો. જેમ કે ઉત્પાદક ભાવ સૂચકાંક (PPI) અને બેંકિંગ સેવાઓ ભાવ સૂચકાંક ને GDP આંકડાઓની ગણતરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પરિણામે 7.8 ટકા વૃદ્ધિ દર આર્થિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત પદ્ધતિઓ પર આધારિત છે.