(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ભૂતપૂર્વ મેયર અને સિનિયર નગરસેવિકા વિશાખા રાઉતનું નગરસેવક પદ રદ કરવાની પ્રક્રિયા ચાલુ રાખવા બાબતે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ રાજ્ય સરકારને લખેલા પત્રને ગેરલાયક ઠરાવવાનો બોમ્બે હાઈ કોર્ટે ઈનકાર કર્યો છે. આ પત્રને ગેરલાયક ઠરાવવા માટે વિશાખા રાઉતે કોર્ટમાં અરજી કરી હતી પણ તેમને નિરાશ થવાનો વખત આવ્યો છે. બુધવારે કોર્ટે આ પત્રવ્યવહાર પર સ્ટે આપવાનો ઈનકાર કરતા હાલ પૂરતી તો તેમને કોઈ રાહત મળવાની નથી.
પાલઘર કાસ્ટ સ્ક્રૂટિની કમિટીએ શિવસેના (યુબીટી)નાં નગરસેવિકા વિશાખા રાઉતનું જાતિ પ્રમાણપત્ર ગેરલાયક જાહેર કર્યા બાદ નગરસેવક તરીકે અપાત્ર જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. તેથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના સામે ફરી એક સંકટ નિર્માણ થયું છે. મુંબઈ મહાનગરપાલિકામાં વધુ એક નગરસેવક ગેરલાયક ઠરતા તેમનું સંખ્યાબળ ઘટી જવાનું છે. આ દરમ્યાન બોમ્બે હાઈ કોર્ટે બુધવારે વિશાખા રાઉતની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે પાલિકા કમિશનરે અમાન્ય જાતિ પ્રમાણપત્ર સબમિટ કરવા બદલ તેમને પદ પરથી હટાવવા અને સરકારને તેમની ગેરલાયક ઠેરવવાની સૂચના આપવાના આદેશને પડકાર્યો હતો.
પાલઘર કાસ્ટ સ્ક્રૂટિની કમિટીએ તેમનું ઓબીસીનું સર્ટિફિકેટ ગેરલાયક જાહેર કર્યું હતું. તેથી રાઉતનું નગરસેવક પદ જોખમમાં આવ્યું હતું. સમિતિના નિર્ણયને આધારે મુંબઈ પાલિકા કમિશનરે રાજ્ય સરકારને પત્રવ્યહાર કરીને રાઉતની વિરુદ્ધ અપાત્રતાની પ્રક્રિયા શરૂ કરવાની માગણી કરી હતી. કમિશનરે તેમને પદ પરથી હટાવવાના આદેશો જારી કર્યા હતા, અને રાજ્ય સરકારને સત્તાવાર ગેઝેટમાં તેમના માટે છ વર્ષની ચૂંટણી ગેરલાયક ઠેરવવાની સૂચના આપી હતી.
જોકે આ પત્રવ્યહારના વિરુદ્ધ વિશાખા રાઉતના વકીલ શ્રીશૈલેશ દેખમુખેે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. તેમ જ સમિતિના નિર્ણય વિરુદ્ધમાં અપીલ કરવા માટે ૯૦ દિવસની મુદત આપવામાં આવી હોય ત્યારે પાલિકા કમિશનરને આવી માગણી કરવાનો અધિકાર નથી. તેથી તેમણે કરેલો પત્રવ્યવહારે ગેરકાયદે હોવાના દાવો કરીને રાઉતે પાલિકા કમિશનરના પત્રવ્યવહાર પર સ્ટે આપવાની માગણી કરી હતી. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે તેમનું જાતિ પ્રમાણપત્ર છેતરપિંડીના આધારે અમાન્ય કરવામાં આવ્યું ન હોવાથી તેમને ગેરલાયક ઠેરવી શકાય નહીં. હાઈ કોર્ટે આ દલીલ પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે બુધવારે વિશાખા રાઉતની અરજી પણ સુનાવણી હાથ ધર્યા બાદ પાલિકાના કમિશનરના પત્રવ્યવહારમાં કોઈ પણ ગેરકાયદે બાબત હોવાનું જણાતું નથી એવી સ્પષ્ટતા કરી હતી. તેમ જ વિશાખા રાઉતની અરજીમાં કોઈ તથ્ય ન હોવાથી તેને ફગાવી દેવામાં આવતો હોવાનો નિર્ણય લીધો હતો.વિશાખા રાઉત રાજકીય રીતે અત્યંત મહત્ત્વની ગણાતા દાદર-શિવાજી પાર્ક પટ્ટાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં તેમણે પાલિકાની ચૂંટણીમાં શિવસેના (યુબીટી)ના ઓબીસી-અનામત વોર્ડ ૧૯૧ને જાળવી રાખ્યો હતો.
તેમણે ૧૩,૨૩૬ મતો મેળવીને શિવસેના (શિંદે)ના ભૂતપૂર્વ ધારાસભ્ય સદા સરવણકરની પુત્રી પ્રિયા સરવણકરને ૧૯૭ મતોથી હરાવ્યા હતા. ચૂંટણી મેદાનમાં ફક્ત બે ઉમેદવાર હોવાથી આ સ્પર્ધા બંને શિવસેના માટે સીધી રીતે રાજકીય ટક્કર હતી, જેના કારણે વિશાખા રાઉતનો વિજય મહત્ત્વનો ગણાતો હતો. રાઉતે ૨૦૦૫માં જારી કરાયેલ એક પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જેમાં તેમને ઓબીસી કુણબી સમુદાયના હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પાલઘર કાસ્ટ સ્ક્રૂટિની કમિટીએ તેમના ઓબીસી સર્ટિફિકેટને ગેરકાયદે ઠેરવી હતી,જે ઠાકરે જૂથ માટે આ મોટો આંચકો માનવામાં આવે છે. નોંધનીય છે કે કાસ્ટ સ્ક્રૂટિની કમિટીના આદેશ સામે સેના (યુબીટી) નેતાની અપીલ કોંકણના વિભાગીય કમિશનર સમક્ષ પેન્ડિંગ છે.