Sat Sep 05 2026

Logo

તાપસી પન્નુની 'ગાંધારી'નું 'મહાભારત' સાથે શું છે કનેક્શન? આંખે પટ્ટી બાંધી એક્શન કરવા પાછળ અભિનેત્રીએ ખોલ્યું રહસ્ય

2026-09-02 20:53:52
Author: Mumbai Samachar Team
તાપસી પન્નુની 'ગાંધારી'નું 'મહાભારત' સાથે શું છે કનેક્શન? આંખે પટ્ટી બાંધી એક્શન કરવા પાછળ અભિનેત્રીએ ખોલ્યું રહસ્ય

બોલીવુડની દમદાર ગણાતી અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) હાલમાં પોતાની મચ-અવેટેડ આગામી એક્શન-ડ્રામા ફિલ્મ ‘ગાંધારી’ને લઈને જોરદાર ચર્ચામાં છે. આ ફિલ્મ ત્રીજી સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટાઈટલ 'ગાંધારી' કેમ રાખવામાં આવ્યું અને તેનો મહાભારત સાથે શું સંબંધ છે, તે અંગે તાપસીએ પોતાની કો-સ્ટાર્સ છાયા કદમ અને મીતા વશિષ્ઠ સાથેના એક ઈન્ટરવ્યૂમાં રસપ્રદ ખુલાસો કર્યો છે.

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તાપસીએ જણાવ્યું હતું કે, મહાભારતમાં ગાંધારીનું એક એવું પાત્ર હતું, જે હંમેશાં પાછળ રહી ગયું. પતિના મોહમાં તેણે આંખો પર પટ્ટી બાંધી દીધી અને પુત્રમોહના કારણે જે સાચું કર્મ હતું તે કરી શકી નહીં તેમ જ મહાવિનાશક યુદ્ધ રોકી શકી નહીં. ફિલ્મની લેખિકા કનિકા ધિલ્લોનના મતે તે મહિલા પાત્રને જે સન્માન મળવું જોઈતું હતું તે મળ્યું નહીં.

તાપસીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો ગાંધારી આજે કળિયુગમાં હોત તો પોતાનો ધર્મ નિભાવવા માટે પોતે મેદાનમાં ઉતરી હોત. આ ફિલ્મમાં મારા પાત્રએ પતિ માટે નહીં, પરંતુ પોતાની દીકરીના રક્ષણ માટે આંખો પર પટ્ટી બાંધી છે. આ આંધળાપણું જ તેનું સૌથી મોટું હથિયાર અને શસ્ત્ર બને છે.

ખોવાયેલી દીકરીની શોધ અને દમદાર એક્શન

ફિલ્મમાં તાપસી પન્નુ એક એવી સંઘર્ષશીલ માતાની ભૂમિકામાં છે જે પોતાની ગુમ થયેલી માસૂમ દીકરી 'મિષ્ટિ' (માયરા શિવન)ને શોધવા માટે કોઈપણ હદ વટાવવા તૈયાર છે. આંખો પર પટ્ટી બાંધીને તાપસી સ્ક્રીન પર ખતરનાક વિલનો સામે હાઈ-ઓક્ટેન એક્શન અને સ્ટંટ્સ કરતી જોવા મળશે.

‘ગાંધારી’ ફિલ્મની ટીમ અને કાસ્ટ

ફિલ્મનું નિર્દેશન દેવાશીશ મખીજાએ કર્યું છે, જ્યારે કહાની કનિકા ધિલ્લોને લખી છે અને તેઓ પોતે ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તાપસી પન્નુ સાથે ઈશ્વક સિંહ, જતીન સરના, છાયા કદમ, મીતા વશિષ્ઠ અને સ્વસ્તિકા મુખર્જી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ત્રીજી સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.