Sat Sep 12 2026

Logo

સરકારે કાચી ખાંડની નિકાસના ક્વૉટા માટે અરજીઓ મગાવી

2026-09-02 19:41:56
Author: Ramesh Gohil
સરકારે કાચી ખાંડની નિકાસના ક્વૉટા માટે અરજીઓ મગાવી

નવી દિલ્હીઃ ગત મંગળવારે વાણિજ્ય મંત્રાલયે 2,02,550 ટન કાચી ખાંડની નિકાસ માટે માન્યતાપ્રાપ્ત મિલો અને રિફાઈનરો પાસે રાહતની ડ્યૂટીનાં દરે નિકાસનાં ક્વૉટાની ફાળવણી માટે અરજીઓ મગાવી છે. 

અરજીઓ પ્રાપ્ત કરવા માટે સાત દિવસનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો હોવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવતા ઉમેર્યું હતું કે માન્યતાપ્રાપ્ત મિલરો અને રિફાઈનરો પાસેથી પૂર્વનિર્ધારિત નમુનાનાં સ્વરૂપમાં 2,02,550 ટન કાચી ખાંડની નિકાસ માટે અરજીઓ મગાવવામાં આવી છે. 

વર્તમાન ખાંડ મોસમમાં સરકારે ટૅરિફ રેટ ક્વૉટા હેઠળ 10 લાખ ટન કાચી ખાંડની નિકાસ માટે મંજૂરી આપી હતી અને તેના અંતર્ગત 7,97,450 ટન ખાંડની નિકાસ માટેની અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને હવે શેષ 2,02,550 ટન ક્વૉટાની ફાળવણી માટે અરજીઓ મગાવવામાં આવી છે. નોંધનીય બાબત એ છે ખાંડના વૈશ્વિક ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારત બીજો ક્રમાંક ધરાવે છે, પરંતુ નિકાસ સરકાર નિયંત્રિત હોવાથી નિકાસ માટે સરકાર દ્વારા મિલોને ક્વૉટા મારફતે ફાળવણી કરવામાં આવે છે.