નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં ખાસ કરીને સોયાબીન ખોળની નિકાસમાં ઘટાડો થવાને કારણે દેશની વિવિધ તેલખોળની કુલ નિકાસ ગત સાલના સમાનગાળાની તુલનામાં 13 ટકા ઘટીને 9.57 લાખ ટનની સપાટીએ રહી છે. તાજેતરમાં સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ગત જૂન મહિનામાં તેલખોળની નિકાસ જૂન, 2025નાં 3,13,404 ટન સામે 31 ટકાના ઘટાડા સાથે 2,17,757 ટનની સપાટીએ રહી હતી.
જોકે, વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં અર્થાત્ ગત એપ્રિલથી જૂન દરમિયાનની કુલ તેલખોળની નિકાસ ગત સાલના સમાનગાળાના 10,94,593 ટન સામે ઘટીને 9,57,224 ટનની સપાટીએ રહી હતી. જેમાં મુખ્યત્વે સોયાબીન ખોળની નિકાસ ગત સાલના સમાનગાળાના 4,93,439 ટન સામે 66 ટકાના ઘટાડા સાથે 1,69,502 ટનના સ્તરે રહી હોવાથી કુલ નિકાસ દબાણ હેઠળ આવી છે.
એસોસિયેશનના જણાવ્યાનુસાર ભારતીય સોયાબીન ખોળના ભાવ ખાસ કરીને આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા દક્ષિણ અમેરિકન સ્પર્ધકોના ભાવની સરખામણીમાં ઊંચા હોવાથી ભારતીય નિકાસકારોને ગેરલાભ થઈ રહ્યો અને નિકાસના વૉલ્યુમમાં ઘટાડો થઈ રહ્યો છે. વધુમાં સ્થાનિક સ્તરે ખોળના ઊંચા ભાવ અને પશુ આહાર અને જીવંત સ્ટોકના ક્ષેત્રોની પ્રબળ માગની પણ નિકાસ પર માઠી અસર પડી છે. આ ઉપરાંત રાતા સમુદ્રમાં વિક્ષેપિત થતાં શિપમેન્ટો અને વધેલા નૂરભાડાની નિકાસ રળતર પર પણ માઠી અસર પડી રહી હોવાનું એસોસિયેશને ઉમેર્યું હતું.
ગત એપ્રિલથી જૂન દરમિયાનની તેલખોળની નિકાસમાં ચીન, બાંગ્લાદેશ અને વિયેટનામ ભારતીય ખોળના મુખ્ય આયાતકાર દેશો રહ્યા હતા. જેમાં ચીન ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાની 1,87,361 ટન સામે વધીને 3,13,384 ટનની અને બાંગ્લાદેશ ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના 1,26,351 ટન સામે વધીને 1,43,013 ટનની રહી હોવાનું એસોસિયેશને આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.