મૉકી (ચીન): હૉકી (Hockey)ના જુનિયર એશિયા કપમાં ભારતની મહિલા ટીમ સામે પાકિસ્તાન (Pakistan)ની ટીમ તદન નબળી પુરવાર થઈ છે. ક્વૉર્ટર ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 19-0થી કચડીને સેમિ ફાઇનલમાં શાનથી પ્રવેશ કર્યો છે. એ સાથે, ભારતે શનિવારની સેમિમાં કોરિયા અથવા મલયેશિયામાંથી કોઈ એક ટીમનો સામનો કરવો પડશે એવો સિનારિયો બન્યો હતો.
𝗣𝗢𝗢𝗝𝗔 𝗠𝗔𝗟𝗜𝗞 𝗪𝗔𝗦 𝗢𝗡 𝗙𝗜𝗥𝗘!
— Hockey India (@TheHockeyIndia) September 10, 2026
A hat-trick in an 19-0 quarter-final win over Pakistan earns Pooja Malik the Player of the Match award at the AHF Junior Asia Cup 2026!#HockeyIndia #IndiaKaGame #AHFJuniorAsiaCup2026 pic.twitter.com/MAE1dZAD47
આ મૅચમાં શરૂઆતથી અંત સુધી ભારતીય ખેલાડીઓનું પાકિસ્તાની ટીમ પર સંપૂર્ણ પ્રભુત્વ હતું અને એટલે જ ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી મોટી જીતમાં પોતાનું નામ લખાવી શકી છે. ભારતીય મહિલા ખેલાડીઓએ કુલ 19 ગોલ કર્યા હતા. પાકિસ્તાનનો પર્ફોર્મન્સ એટલો બધો ખરાબ હતો કે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત (India)ને કુલ 18 પેનલ્ટી કૉર્નર મળ્યા હતા તેમ જ એક પેનલ્ટી સ્ટ્રૉક પણ મળ્યો હતો. ભારત વતી લગભગ દરેક ખેલાડીએ એક કે એકથી વધુ ગોલ કર્યા હતા. પ્લેયર ઑફ ધ મૅચ પૂજા મલિકે ત્રણ ગોલ કર્યા હતા, જ્યારે રોશની એઇન્દ, સનિકા માને, સુપ્રિયા અને મધુ સિદરે બે-બે ગોલ કર્યા હતા, જ્યારે ગોલ કરનાર અન્ય ખેલાડીઓમાં પૂજા સાહુ, તનુશ્રી દિનેશ કડુ, સુખવીર કૌર, ગીતા યાદવ, તનુજા ટૉપો, પૂર્ણિમા યાદવ, બિનિમા ધાન અને ક્રિષ્ના શર્માનો સમાવેશ હતો.
ભારતનું ડિફેન્સ એટલું બધુ મજબૂત હતું કે પાકિસ્તાનની ટીમ એક પણ ગોલ નહોતી કરી શકી, તેમને એકેય પેનલ્ટી કૉર્નર નહોતો મળ્યો અને પેનલ્ટી સ્ટ્રૉકથી પણ એ ટીમ વંચિત રહી હતી. ભારતીય ટીમે પાકિસ્તાની પ્લેયર્સ પર સતત પ્રેશર જાળવી રાખ્યું હતું. 27મી મિનિટમાં ભારતનો 10મો ગોલ થયો હતો ત્યાર પછી પણ પાકિસ્તાની ખેલાડીઓ પર ભારતીયોએ માનસિક દબાણ જરાય ઓછું નહોતું કર્યું.
હૉકી મૅચમાં સામાન્ય રીતે 15-15 મિનિટના કુલ ચાર ક્વૉર્ટર હોય છે. પ્રથમ ક્વૉર્ટરમાં ભારતે પાંચ ગોલ કર્યા હતા. બીજા ક્વૉર્ટરમાં પણ ભારતીય ખેલાડીઓએ પાંચ ગેલ કર્યા હતા. ત્યાર બાદ ત્રીજામાં ત્રણ અને ચોથા ક્વૉર્ટરમાં છ ગોલ ખડકી દીધા હતા.