નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે રેસલર વિનેશ ફોગાટને મોટો આંચકો આપ્યો છે. જેમાં વિનેશ ફોગાટને વર્ષ 2026ની સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની પસંદગી ટ્રાયલમાં હિસ્સો લેવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
વ્યક્તિગત રીતે રમતવીરોને મુક્તિ આપી શકાતી નથી
આ અંગે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત માપદંડોમાંથી વ્યક્તિગત રીતે રમતવીરોને મુક્તિ આપી શકાતી નથી. જો કોઈ રેસલરે કોઈ નિયુક્ત ઇવેન્ટમાં ભાગ લીધો નથી તો તે ડબલ્યુએફઆઈની નિર્ધારિત પાત્રતા શ્રેણીઓમાં આવતા નથી.
વિનેશ ફોગાટે ટ્રાયલમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી
દિલ્હી હાઈકોર્ટે વિનેશ ફોગાટના માતૃત્વ અને તેમની રમતગમતની કારકિર્દીને લગતા એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિચારણા કરવા માટે સંમતિ દર્શાવી હતી.. વિનેશ ફોગાટ જુલાઈ 2025માં માતા બન્યા હતા અને ત્યાર બાદ તેઓ પ્રસૂતિની રજા પરથી પરત ફર્યા છે. તેમણે વર્ષ 2026 ની સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મહિલાઓની પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી.
કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી
હાઈકોર્ટે અવલોકન કર્યું કે માતૃત્વ અને રમતગમતની કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવું એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. કોર્ટે એ બાબત પર વિચાર કરવાની જરૂરિયાત પણ નોંધી કે શું મહિલા ખેલાડીને એવી સ્થિતિમાં મૂકવી જોઈએ જ્યાં તેણે માતા બનવા અને પોતાની રમતગમતની કારકિર્દી ચાલુ રાખવા વચ્ચે પસંદગી કરવી પડે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ આગામી સુનાવણી દરમિયાન આ પાસાની વિગતવાર તપાસ કરવામાં આવશે.