Mon Oct 05 2026

Logo

એનએસઈનો આઈપીઓ 17મી સપ્ટેમ્બરે ખૂલશે પ્રાઈસબૅન્ડ શૅરદીઠ રૂ. 1700થી 1785

2026-09-11 19:42:40
Author: Ramesh Gohil
એનએસઈનો આઈપીઓ 17મી સપ્ટેમ્બરે ખૂલશે પ્રાઈસબૅન્ડ શૅરદીઠ રૂ. 1700થી 1785

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ આજે તેના પ્રારંભિક ભરણા અર્થાત્‌‍ આઈપીઓ ખૂલવાની તારીખ આગામી 17મી સપ્ટેમ્બર નિર્ધારિત કરી છે. તેમ જ પ્રાઈસબૅન્ડ શૅરદીઠ રૂ. 1700થી 1785 રાખવામાં આવી છે. અગાઉ વર્ષ 2024માં આવેલા હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનાં રૂ. 27,850 કરોડનાં સૌથી મોટા ભરણાં પછી એનએસઈનું બીજા ક્રમાંકનું રૂ. 22,569 કરોડનું સૌથી મોટું ભરણું છે જેની અંતિમ તારીખ 21મી સપ્ટેમ્બર રાખવામાં આવી હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એનએસઈનું જાહેર ભરણું એક દાયકા પૂર્વે આવવાનું હતું પરંતુ, નિયમનકારી અવરોધોને કારણે અટકી રહ્યું હતું અને હવે સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ તરફથી મંજૂરી મળતા આગામી 24મી સપ્ટેમ્બરે તેનાં શૅર બજારમાં લિસ્ટ થશે. એક્સચેન્જની યાદીમાં જણાવ્યાનુસાર એન્કર ઈન્વેસ્ટરોએે બિડિંગ 16મી સપ્ટેમ્બરે કરવાનું રહેશે. અગાઉ સમગ્ર આઈપીઓ હાલનાં 14.9 કરોડ ઈક્વિટી શૅર ધારકોનાં ઓફર ફોર સેલ હેઠળની યોજના સામે હવે હાલના 12.64 કરોડ ઈક્વિટી શૅર ધારકોનો રહેશે.

આમ એકંદરે ઑફર ફોર સેલની માત્રા ઘટતાં અગાઉ ભરણાનું કદ જે રૂ. 30,000 કરોડનું હતું તે ન્યૂનતમ પ્રાઈસબૅન્ડને ધ્યાનમાં લેતા ઘટીને રૂ. 21,494 કરોડનું અને મહત્તમ પ્રાઈસબૅન્ડને ધ્યાનમાં લેતા રૂ. 22,569 કરોડનું થતાં દેશનું સૌથી મોટું ભરણું થતાં રહી ગયું છે અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ. 27,870 કરોડનાં ભરણાં સાથે સૌથી મોટા જાહેર ભરણા તરીકે વિક્રમ સપાટીએ રહ્યું છે. જોકે, એનએસઈનું ભરણું અગાઉ વર્ષ 2022માં આવેલા લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનાં રૂ. 21,000 કરોડનાં જાહેર ભરણા કરતાં મોટું ભરણું છે.