ભરત ભારદ્વાજ
ભારતે ચીન, રશિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા સાથે મળીને બનાવેલા બ્રિક્સ સંગઠનનનું શિખર સંમેલન શરૂ થાય એ પહેલાં કૉંગ્રેસના પી. ચિદમ્બરમે બ્રિક્સ સહિતનાં સંગઠનોથી ભારતને શો ફાયદો થયો એવો સવાલ કરીને નવો ડખો ઊભો કર્યો છે. ચિદમ્બરમે સવાલ કર્યો છે કે ભારત બ્રિક્સ સિવાય જી-20, ક્વૉડ અને એસસીઓ (શાંઘાઈ સહયોગ સંગઠન) જેવા અનેક સંગઠનોનું સભ્ય છે પણ આ સંગઠનોથી દેશને વાસ્તવમાં શું નક્કર લાભ મળ્યો છે તેના પર વિચાર થવો જોઈએ.
ચિદમ્બરમે નરેન્દ્ર મોદી સરકારને સવાલ કરેલો પણ મોદી સરકાર જવાબ આપે એ પહેલાં કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે જ જવાબ આપી દીધો છે. શશિ થરૂરે બ્રિક્સને ભારત માટે મહત્ત્વપૂર્ણ ગણાવીને કહ્યું છે કે, ભારતમાં બ્રિક્સનું સંમેલન યોજાવું એ દેશની જબરદસ્ત રાજદ્વારી તાકાત અને પ્રતિષ્ઠા દર્શાવે છે. થરૂરે કહ્યું છે કે, બ્રિક્સમાં દુનિયાના અમેરિકા સિવાયના પાંચ મોટા દેશો સભ્ય છે અને બીજા છ દેશો નિરીક્ષક તરીકે છે.
આ સભ્ય અને નિરીક્ષક દેશોના મોટા નેતા ભારત આવી રહ્યા છે એ એક મોટી સિદ્ધિ છે. એક સાથે આટલા બધા દેશોના નેતાઓને એક મંચ પર લાવવા એ ભારતની અન્ય દેશોને સાથે લાવવાની રાજદ્વારી ક્ષમતા દર્શાવે છે. બ્રિક્સ અમેરિકા અને યુરોપના દેશોનો મુકાબલો કરવા માટે આકાર લઈ રહેલા ગ્લોબલ સાઉથ માટે એક મહત્ત્વપૂર્ણ મંચ છે કેમ કે બ્રિક્સના દેશોના કારણે જ ગ્લોબલ સાઉથ શક્ય છે, અમેરિકાને ટક્કર આપી શકાય છે.
થરૂકની વાત સાવ સાચી છે કેમ કે ગ્લોબલ સાઉથમાં 100થી વધુ દેશો છે પણ બ્રિક્સના 11 દેશો જ મુખ્ય છે. વિશ્વની કુલ વસતીમાં લગભગ 50 ટકા વસતીના કારણે જંગી માર્કેટ હોવાથી બ્રિક્સની તાકાત બહુ મોટી છે. વિશ્વની કુલ જીડીપીમાં 41 ટકા હિસ્સો બ્રિક્સના 11 દેશોનો છે એ જોતાં તેની તાકાતને અવગણી શકાય તેમ નથી. બ્રિક્સમાં ભારત તો હજુય અમેરિકાથી ફફડે છે પણ ચીન, રશિયા, બ્રાઝિલ, ઈરાન વગેરે દેશો તો અમેરિકાની જરાય સાડાબારી રાખતાં નથી.
આવા દેશો ભારતની સાથે હોય તો ભારતની તાકાત ચોક્કસ વધે ને ભારતનો પ્રભાવ પણ વધે એ જોતાં બ્રિક્સ ભારત માટે ફાયદાકારક છે જ. બીજાં સંગઠનો પણ કોઈ ને કોઈ રીતે ફાયદાકારક છે કેમ કે વિશ્વમાં તાકાત એકતાની છે. અમેરિકા જેવા પોતાના સ્વાર્થ સિવાય કશું ના વિચારતા દેશ સામે બીજા દેશોનો ટેકો ના હોય તો આપણે ક્યાંય ખોવાઈ જઈએ.
ચિદમ્બરમને અત્યારે ડહાપણની દાઢ ફૂટી છે ત્યારે તેમને એ સવાલ પણ કરવો જોઈએ કે, બ્રિક્સથી કોઈ ફાયદો ના થતો હોય તો કૉંગ્રેસની સરકારે શા માટે તેમાં જોડાવાનું નક્કી કર્યું ? બ્રિક્સનો વિચાર 1990ના દાયકામાં યેવજેની પ્રિમાકોવે વહેતો મૂક્યો ત્યારે નરસિંહરાવની કૉંગ્રેસની સરકાર હતી અને રાવ સરકારે તેમાં રસ બતાવેલો. યેવજેની પ્રિમાકોવ 1998માં અટલ બિહારી વાજપેયીની સરકારના સમયમાં રશિયાના વિદેશ મંત્રી નિમાયા પછી ભારત આવ્યા ત્યારે સત્તાવાર રીતે તેમણે અમેરિકા સિવાયના દેશોનું સંગઠન બનાવવાનો વિચાર વહેતો મૂકેલો.
એ વખતે પાંચ દેશોના સંગઠનનો વિચાર નહોતો તેથી રશિયા, ભારત, ચીને મળીને પહેલાં રીક બનાવેલું. ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકાનું બનેલું આઈબીએસએ (ઈંઇજઅ) સંગઠન પણ અસ્તિત્વમાં આવ્યું. વાજપેયી સરકાર આ સંગઠનોને મજબૂત કરે એ પહેલાં ઘરભેગી થઈ ગઈ તેથી આ બંને સંગઠનો હવાઈ ગયાં પણ ડૉ. મનમોહનસિંહને આ વિચાર ગમેલો. 1998માં વાજપેયી સરકારે કરેલા પરમાણુ પરીક્ષણના કારણે અમેરિકા તથા તેના ગોઠિયાઓએ ભારત પર ઢગલાબંધ પ્રતિબંધો મૂકેલા. તેની સામે ટક્કર લેવા માટે અમેરિકા સિવાયના દુનિયાના મજબૂત દેશોનો સાથ લેવો જરૂરી હોવાથી મનમોહનસિંહે જ બ્રિક્સનો વિચાર વહેતો મૂકાવેલો.
2009માં બ્રિક્સની શરૂઆત થઈ ત્યારે કૉંગ્રેસની સરકાર હતી ને ડો. મનમોહનસિંહ વડા પ્રધાન હતા એ તો મહત્ત્વનો મુદ્દો છે જ પણ તેનાથી મહત્ત્વની બાબત એ પહેલાંનો ઘટનાક્રમ છે. હાલનું બ્રિક્સ બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે એ બ્રિક (બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન) હતું અને તેની શરૂઆત કૉંગ્રેસના શાસનમાં 2006માં થઈ હતી. સપ્ટેમ્બર 2006માં ન્યૂ યોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચા વખતે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ મળ્યા તેમાં આ નવું સંગઠન બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
આ બેઠક પછી સંગઠનને સત્તાવાર સ્વરૂપ આપવા માટે ઉચ્ચ-સ્તરીય બેઠકો શરૂ થઈ તેથી સાઉથ આફ્રિકાને પણ રસ પડ્યો. સાઉથ આફ્રિકાએ પણ બેઠકોમાં ભાગ લેવા માંડ્યો અને છેવટે 16 જૂન 2009ના રોજ રશિયાનાાતેરિનબર્ગ ખાતે પાંચ દેશોની સંપૂર્ણ કક્ષાની રાજદ્વારી બેઠક યોજાઈ તેમાં ઔપચારિક રીતે આ સંગઠન શરૂ થયું. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા એમ પાંચ દેશોનું બ્રિક્સ સંગઠન બન્યું. ચિદમ્બરમ એ વખતે મનમોહનસિંહ સરકારમાં ગૃહ મંત્રી હતા તો ત્યારે કેમ વિરોધ નહોતો કર્યો ? આ સંગઠનથી કોઈ ફાયદો નથી એવું જ્ઞાન કેમ નહોતું પિરસ્યું?
આ સવાલનો જવાબ સરળ છે. 2008માં બ્રિક્સ બનાવવા માટે ઉપરાછાપરી બેઠકો ચાલતી હતી એ જોઈને અમેરિકા ફફડી ગયેલું. ડૉ. મનમોહનસિંહે અમેરિકાના પ્રતિબંધોનો જવાબ આપવા બ્રિક્સના વિચારને વધાવેલો ને તેમની ગણતરી સાવ સાચી પડી હતી. બ્રિક્સ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં જ અમેરિકા ભારતને લટૂડાંપટૂડાં કરવા માંડેલું. 2008માં અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને બધા પ્રતિબંધો હટાવી લીધા અને ભારતને પરમાણુ મહાસત્તા તરીકે માન્યતા આપી.
ભારતને યુરેનિયમ આપવા સહિતના પ્રતિબંધો હટી જતાં ભારત વીજળી પેદા કરવા માટે પરમાણુ ઊર્જા પેદા કરવાનો કાર્યક્રમ આગળ ધપાવી શક્યું. અત્યારે ભારત અને અમેરિકાના સંબંધો તણાવપૂર્ણ છે પણ વચ્ચેના સમયમાં બંને વચ્ચે આર્થિક સહકાર મજબૂત થયો ને ભારતને તેનો બહુ ફાયદો થયો કેમ કે ભારતની અમેરિકામાં નિકાસ અમેરિકાથી આયત કરતાં વધારે હતી. ભારતે અમેરિકા વિરોધી સંગઠનમાં જોડાવાની હિંમત ના બતાવી હોત તો આ ફાયદો થવાનો જ નહોતો. અત્યારે પણ અમેરિકા આપણને મનાવવા મથે છે કેમ કે આપણે અમેરિકા વિરોધી ધરી સાથે જોડાયેલા છીએ. બાકી આપણને પૂછે પણ કોણ ?
ચિદમ્બરમનો બકવાસ એ વાતનો પુરાવો છે કે, કૉંગ્રેસ ગમે તે રીતે મોદી સરકારનો વિરોધ કરવામાં માને છે ને તેની પાછળ કોઈ લોજિક નથી હોતું. આ અંધ વિરોધમાં કૉંગ્રેસીઓ પોતાની જ સરકારને નીચી બતાવી રહ્યા છે તેનું એમને ભાન પણ નથી. ચિદમ્બરમની દલીલ માનીએ તો જવાહરલાલ નહેરૂ બિન જોડાણવાદી ચળવળમાં જોડાયા એ પણ ખોટું કહેવાય ને મનમોહનસિંહના કારણે આપણે ક્વૉના સભ્ય બન્યા એ પણ ખોટું છે કેમ કે તેના કારણે સીધો કોઈ મોટો ફાયદો નથી.