Tue Oct 06 2026

Logo

ગુજરાત કેડરમાં અનોખો રેકોર્ડ: IAS RC મીણા પરિવારના 4 સભ્યો હવે એક જ રાજ્યમાં આપશે સેવા!

2026-09-02 21:46:29
Author: Vimal Prajapati
ગુજરાત કેડરમાં અનોખો રેકોર્ડ: IAS RC મીણા પરિવારના 4 સભ્યો હવે એક જ રાજ્યમાં આપશે સેવા!

અમદાવાદઃ ગુજરાત કેડરના 1992 બેચના સિનિયર IAS અધિકારી અને હાલમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા આર.સી. મીણાના પરિવારમાં એક રસપ્રદ સંયોગ સર્જાયો છે. 2021 બેચના IAS અધિકારી અને તેમના પુત્ર હર્ષિલ મીણાને મેરેજ ગ્રાઉન્ડના આધારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત કેડર મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે જ મીણા પરિવારના કુલ ચાર સભ્યો હવે એક જ રાજ્યમાં ઉચ્ચ સિવિલ સેવાઓ આપશે.

મેરેજ ગ્રાઉન્ડ પર કેરળથી ગુજરાત બદલાઇ કેડર

મૂળ રાજસ્થાનના વતની અને માર્ચ 2029માં નિવૃત્ત થનારા આર.સી. મીણાના પુત્ર હર્ષિલ મીણા IIT દિલ્હીથી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. UPSC પાસ કર્યા બાદ તેમને શરૂઆતમાં કેરળ કેડર ફાળવવામાં આવ્યું હતું, જ્યાં તેમણે સબ-કલેક્ટર અને પર્યાવરણ વિભાગમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. જોકે, 2024 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી ધારણી એમ. સાથે લગ્ન બાદ તેમણે કેડર બદલવા અરજી કરી હતી, જેને મંજૂરી મળી જતાં હવે તેઓ ટૂંક સમયમાં ગુજરાતમાં નવી પોસ્ટિંગ મેળવશે.

એક જ કેડરમાં મીણા પરિવારનું મોટું યોગદાન

આ ફેરફાર સાથે જ ગુજરાતના અમલદારશાહી ઈતિહાસમાં એક વિશિષ્ટ રેકોર્ડ નોંધાયો છે, જેમાં એક જ પરિવારના ચાર સભ્યો ગુજરાત કેડર ધરાવે છે, જેમાં વિગતે વાત કરવામાં આવે તો, 1992 બેચ, IASના આર.સી. મીણા પ્રિન્સિપલ સેક્રેટરીમાં કાર્યરત છે. પુત્ર હર્ષિલ મીણા (2021 બેચ, IAS)ને હવે કેરળ બાદમાં ગુજરાત કેડર મળ્યું છે. પુત્રવધૂ ધારણી મીણા પણ 2024ની બેચના આઈએએસ છે. પુત્રી માનસી મીણા પણ ગુજરાત કેડરમાં 2023 બેચના IPS અધિકારી છે. 

વધારે વિગતે વાત કરવામાં આવે તો આ સિવાય આર. સી. મીણાના જમાઈ દિલખુશ મીણા પણ 2019 બેચના AGUMT કેડરના IAS અધિકારી છે અને હાલ દિલ્હી MCDમાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવાઓ આપી રહ્યા છે. પુત્ર હર્ષિલના ગુજરાત આગમનથી મીણા પરિવારના મોટા ભાગના સભ્યો હવે એક જ રાજ્યમાં વહીવટી ધુરા સંભાળશે, જે રાજ્યના અમલદારશાહી વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.