જોહનિસબર્ગઃ 2007માં ફ્લાયવેઇટ વર્ગમાં અને 2017માં બૅન્ટમવેઇટ કૅટેગરીમાં વર્લ્ડ ચૅમ્પિયન બનનાર સાઉથ આફ્રિકાના જાણીતા બૉક્સર ઝોલાની ટેટેની તેના જ ઘરની બહાર હત્યા થઈ હોવાનું સરકારી અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. 38 વર્ષના ઝોલાની ટેટેનું સૌથી ઓછા સમયમાં હરીફને હરાવવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડસમાં નામ છે.
ઝોલાની ટેટેની તેની કારમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. તેના પર ગોળીબાર કરીને હુમલાખોરો ભાગી ગયા હતા. ટેટેની સાથે કારમાં જે મહિલા હતી તે પણ ખૂબ ઘાયલ થઈ છે અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ટેટે કારમાં ઘરે પાછો આવ્યો અને ગેટ ખુલવાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે મુખવટો પહેરેલા બે હુમલાખોરે તેના પર ગોળીઓ છોડી હતી.
પાંચમી સેકન્ડનો મુક્કો વિક્રમજનક હતો
ટેટેએ 2017માં આયરલૅન્ડમાં સિબોનિસો ગૉન્યા નામના બૉક્સરને પાંચ જ સેકન્ડમાં હરાવી દીધો હતો. ટેટેએ એ મુકાબલો શરૂ થયા બાદ પાંચમી સેકન્ડમાં ગૉન્યાને એવો જોરદાર પંચ માર્યો હતો જેનાથી ગૉન્યાએ આડકતરી રીતે પરાજય સ્વીકારી લીધો હતો. ગૉન્યા ફરી લડવા તૈયાર ન થતાં રેફરીએ 11મી સેકન્ડમાં એ મુકાબલો રોકી દીધો હતો અને ટેટેને વિજેતા જાહેર કર્યો હતો. ત્યારથી ટેટેના નામે ફાસ્ટેસ્ટ વિક્ટરીનો રેકૉર્ડ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં લખાયો છે.
20 દિવસ પહેલાં પ્રતિબંધ હટ્યો હતો
ટેટે (Tete)એ થોડા વર્ષો પહેલાં સ્ટૅનૉઝોલોલ નામનું પ્રતિબંધિત કેફીદૃવ્ય લીધું હોવાનું તેના રિપોર્ટમાં આવતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે ગયા મહિને (26મી જુલાઈએ) એ બૅન પૂરો થયો હતો અને તે વધુ મુક્કાબાજીના મુકાબલા માટેની પૂર્વતૈયારીઓ કરી રહ્યો હતો એ જ અરસામાં તેની હત્યા કરવામાં આવી છે.