(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો તેમ જ ઉત્તર પ્રદેશની ખાંડ મિલો પર આજે ટેન્ડરોના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ તાજેતરની એકતરફી તેજીને બે્રક લાગી હતી અને હાજરમાં ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 72થી 248 સુધીનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે નાકા ડિલિવરી ધોરણે પણ ભાવ ક્વિન્ટલે રૂ. 250થી 320 ઘટી આવ્યાના અહેવાલ હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ પણ જળવાઈ રહ્યો હતો. તેમ છતાં મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 150 અને ઉપલા મથાળેથી રૂ. 72ના ઘટાડા સાથે રૂ. 6200થી 6380ના મથાળે અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 248 અને ઉપલા મથાળેથી રૂ. 140ના ઘટાડા સાથે રૂ. 6252થી 6522માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે આગામી તહેવારોની મોસમની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા ઔદ્યોગિક વપરાશકારોની તથા સ્થાનિક ડીલરોની લેવાલી જળવાઈ રહી હતી, પરંતુ મથકો પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 300થી 320ના ઘટાડા સાથે રૂ. 6000થી 6030માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 250ના ઘટાડા સાથે રૂ. 6150થી 6200માં થયા હતા.