Sat Sep 05 2026

Logo

આનંદીબેનને ઉથલાવવા ભાજપના ક્યા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવેલું ? નવા પુસ્તકમાં ધડાકાનો ભાજપે શું આપ્યો જવાબ ?

2026-08-24 08:40:00
Author: Mayur Patel
આનંદીબેનને ઉથલાવવા ભાજપના ક્યા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવેલું ? નવા પુસ્તકમાં ધડાકાનો ભાજપે શું આપ્યો જવાબ ?

અમદાવાદઃ રાજ્યમાં એક દાયકા પહેલા થયેલા પાટીદાર આંદોલનના કારણે આનંદીબેને રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલ રાજ્યને એક નવી ઊંચાઈએ લઈ જવાનું સપનું જોતા હતા ત્યારે જ ભડકેલા પાટીદાર આંદોલનથી રાજ્યમાં શાંતિ પણ ડહોળાઈ હતી. પોલીસે પાટીદારો પર અત્યાચાર ગુજાર્યાની ઘટનાઓ પણ સામે આવી હતી. તાજેતરમાં આનંદીબેન 10 દિવસની રજા પર ગુજરાત આવ્યા ત્યારે પણ તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું તેવી અટકળો વહેતી થઈ હતી. આ ઉપરાંત હાલ આનંદીબેન તેમના નવા પુસ્તક ચુનૌતિયા મુઝે પસંદ હૈ ના કારણે પણ ચર્ચામાં છે. 

હાર્દિક પટેલે શું કહ્યું હતું

પાટીદાર અનામત આંદોલન સમયે હાલ વિરમગામના ધારાસભ્ય અને તે સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે આંદોલનને દબાવવા, પોલીસ બળનો ઉપયોગ કરવા અને સમાજ વિરુદ્ધ નિવેદનો આપવાના આક્ષેપો કર્યા હતા. જો કે પાછળથી હાર્દિકે એવું પણ નિવેદન આપેલું કે આનંદીબેન પાટીદારોને અનામત આપવા સક્ષમ પ્રક્રિયા કરતા હતા પરંતુ દિલ્હીના નેતાઓએ તેમને હટાવ્યા હતા. આનંદીબેન પટેલના પુસ્તકમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

કોણે લખ્યું છે આ પુસ્તક

આનંદીબેન પટેલના રાજીનામા અંગે પુસ્તકમાં થયેલા ચોંકાવનારા ખુલાસાએ ફરી એકવાર ભારે ચર્ચા જગાવી છે.  પાટીદાર સમાજના કેટલાક યુવાનોને આગળ ધરીને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. બંધારણીય મર્યાદાઓને કારણે આ માંગણી સ્વીકારી શકાય તેમ ન હોવાનું સ્પષ્ટ હોવા છતાં આંદોલન ચલાવાયું હતું. આનંદીબેને સતત સમાજના અગ્રણીઓ સાથે સંવાદ સાધીને વાસ્તવિકતા સમજાવવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ભાજપના જ કેટલાક વરિષ્ઠ નેતાઓની ભૂમિકા તરફ આંગળી ચીંધવામાં આવી છે. આ પુસ્તકના લેખક અશોક દેસાઈ છે, જેઓ વર્ષોથી આનંદીબેન સાથે નજીકથી કાર્યરત રહ્યા હોવાથી આ દાવાઓની વિશ્વસનીયતા વધુ મજબૂત માનવામાં આવી રહી છે.

પુસ્તકને લઈ ભાજપે શું કહ્યું

પુસ્તકમાં ઉલ્લેખિત ભાજપના વરિષ્ઠ નેતાઓ કોણ હતા તે અંગે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરે ત્યારે તેની પાછળનો ઉદ્દેશ શું છે તે લખનાર અથવા બોલનારને જ ખબર હોય. 

હાર્દિક પટેલે શું કહ્યું

તે સમયે આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા અને હાલ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં હજી સુધી આ પુસ્તક વાંચ્યું નથી એટલે વ્યક્તિગત ટિપ્પણી ન કરી શકું, પરંતુ આંદોલન દરમિયાન ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ નેતા સીધી કે આડકતરી રીતે જોડાયેલા નહોતા. હા, કાર્યકર્તાઓ જોડાયેલા હોઈ શકે છે.

પાટીદાર આંદોલનની 2017 વિધાનસભા ચૂંટણી પર શું થઈ હતી અસર

ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલનની અસર 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળી હતી. તે સમયે ભાજપને માત્ર 99 બેઠક જ મળી હતી. સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો લાગ્યો હતો. જોકે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત સરકાર દ્વારા અનામત અપાઈ ગઈ હતી અને તે મુદ્દો રાજકીયના બદલે કાયદાકીય બની ગયો હતો. આવી જ રીતે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પણ કેન્દ્રીયસ્તરે અનામત આપીને આ મુદ્દાને ગૌણ બનાવી દેવામાં આવ્યો હતો. ડિસેમ્બર-2017 પછી આ મુદ્દાએ ધાર ગુમાવી દીધી હતી. હાર્દિક પટેલને આ વાત સમજતા વાર લાગી હતી. સપ્ટેમ્બર-2018માં તેમણે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા, તેમણે પોતાની વીલ લખી નાખી, તો પણ સમાજમાં કોઈ સળવળાટ ન થયો અને સરકારે મચક ન આપી. અંતે સમાજના આગેવાનોએ સન્માનજનક રીતે યુવા નેતાના પારણાં કરાવ્યાં હતા.

પાટીદારોની ઉપેક્ષા કેમ થઈ શકે તેમ નથી

ગુજરાતમાં વિધાનસભાની 182માંથી 50 જેટલી બેઠકો ઉપર પાટીદારોનું  પ્રભુત્વ છે. આર્થિક, રાજકીય અને સામાજિક દૃષ્ટિએ તેમને વસતિ કરતાં વધુ પ્રતિનિધિત્વ મળેલું હોવા છતાં કોઈપણ રાજકીય પક્ષને તેમની ઉપેક્ષા કરવી પરવડી શકે તેમ નથી. 2017 વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળ્યાં પછી પણ નારાજ પાટીદારોને મનાવવા ભાજપ દ્વારા સંવાદના સતત પ્રયાસ થયા હતા.