Fri Sep 04 2026

Logo

મુંબઈમાં 'ભુલેશ્વરચા રાજા'ના આગમન સમારોહ દરમિયાન સર્જાઈ દુર્ઘટના; 20 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતા 2 ભક્તોના મોત...

2026-08-23 08:47:00
Author: Vimal Prajapati
મુંબઈમાં 'ભુલેશ્વરચા રાજા'ના આગમન સમારોહ દરમિયાન સર્જાઈ દુર્ઘટના; 20 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતા 2 ભક્તોના મોત...

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની તૈયારીઓ વચ્ચે દક્ષિણ મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શનિવારે રાત્રે 'ભુલેશ્વરચા રાજા' ગણેશ મંડળના આગમન સમારોહ દરમિયાન ગણેશજીની ભવ્ય પ્રતિમા અચાનક નીચે પડી ગઈ હતી. આ કરૂણ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે નાની બાળકીઓ સહિત કુલ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

જય અંબે ચોક પાસે સર્જાયો અકસ્માત

BMC ના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ભુલેશ્વરના બલરામ મર્ચન્ટ રોડ પર આવેલા કબૂતરખાના નજીક જય અંબે ચોક પાસે બની હતી. ‘ભુલેશ્વરચા રાજા’ની પ્રતિમાને ભાયખલાથી પંડાલે લાવવામાં આવી રહી હતી. ઉત્સાહ અને ઢોલ-નગારાના નાદ સાથે હજારો ભક્તો મૂર્તિનું સ્વાગત કરી રહ્યા હતા તે જ સમયે અચાનક મૂર્તિ ધારાશાયી થઈ ગઈ હતી. 

તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી

ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સર્વિસ સહિત બીએમસીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે વ્યક્તિઓની ઓળખ સંકેત નેવશે (33 વર્ષ) અને બ્રિજેશ હેમંત જોશી (30 વર્ષ) તરીકે થઈ છે. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક જી ટી  હોસ્પિટલ તથા આસપાસના અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તોમાં બે માસૂમ બાળકીઓ પણ સામેલ

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા પાંચ લોકોમાં 5 વર્ષની લાવણ્યા ગણેર અને 7 વર્ષની દિવ્યા ગણેર નામની બે બાળકીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય ઘાયલોમાં વૈભવ ઘેણંદ (38), પવન ચોરસિયા (25) અને કુણાલ કાશીદ (26) સામેલ છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર હાલ તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે.