નવી દિલ્હીઃ નિકાસકારો માટે દરિયાપારનાં વેચાણનું બિલ અથવા તો ઈન્વોઈસ બનાવવામાં અને ભારતીય રૂપિયામાં તેની ચુકવણી પ્રાપ્ત કરવાનું સરળ બનાવવા માટે વિદેશ વેપાર નીતિની અમુક જોગવાઈઓમાં સુધારો કરવાથી વેપારનાં સેટલમેન્ટમાં રૂપિયાના આંતરાષ્ટ્રીયકરણને વેગ મળશે, જ્યારે નિકાસકારોને વધુ સુગમતા અને નિશ્ચિતતા મળશે, એમ સીઆઈઆઈએ જણાવ્યું હતું.
અત્રે ગત શુક્રવારે સીઆઈઆઈની નેશનલ કમિટી ઓન એક્ઝિમનાં ચેરમેન અને પેટન ઈન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર સંજય બુધિયાએ જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગ સરકારની આ દિશાને આગળ ધપાવવા અને ભારતની વૈશ્વિક વેપારની સ્પર્ધાત્મકતાને વધુ ગાઢ બનાવવા માટે સરકાર સાથે કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનથી નિકાસકારો માટે વિદેશી વ્યવહારોનું ઈન્વોઈસ બનાવવા અને ભારતીય રૂપિયામાં ચૂકવણી પ્રાપ્ત કરવાનું સરળ બન્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ભારતીય ઉદ્યોગ દેશનાં વિદેશી વેપાર માળખાને સરળ અને આધુનિક બનાવવા સરકારના સતત પ્રયાસોને આવકારે છે, જેનાથી નિકાસકારો માટેની ઈકોસિસ્ટમ વધુ સરળ બનશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નેપાળ, ભૂતાન સિવાય માન્ય બૅન્કિંગ ચેનલો દ્વારા રૂટ કરાયેલ રૂપિયાની નિકાસ આવક હવે લાભો માટે લાયક ઠરશે અને વિદેશી ચલણની પ્રાપ્તિની સમકક્ષ નિકાસ જવાબદારીઓની પરિપૂર્ણતા ગણાશે. તેમ જ સરકારના આ પગલાંથી રૂપિયાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ વધશે. તેમ જ વેપારના સેટલમેન્ટમાં રૂપિયાનું મજબૂત આંતરરાષ્ટ્રીયકરણ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.