Sat Aug 29 2026

Logo

પાડોશી દેશ પાકિસ્તાનમાં શું સત્તા પલટાશે? 400 જેટલા જવાનોએ રાવલપિંડીએ સૈન્ય છાવણીમાં ફેરવ્યું

Rawalpindi   2026-08-22 19:19:33
Author: Mumbai Samachar Team
પાડોશી દેશ પાકિસ્તાનમાં શું સત્તા પલટાશે? 400 જેટલા જવાનોએ રાવલપિંડીએ સૈન્ય છાવણીમાં ફેરવ્યું

રાવલપિંડીઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં કંઈ મોટું થવા જઈ રહ્યું છે. બલુચિસ્તાનના પહાડી વિસ્તારમાં નફરતની આગ અને PoKમાં પણ પાકિસ્તાન સરકાર સામે વિરોધ પ્રદર્શન યથાવત છે. આ બન્ને મોરચા પર સરકાર નિષ્ફળ સાબિત થયા બાદ પાકિસ્તાનની સત્તાનો અસલી કિલ્લો રાવલપિંડીમાં સ્થિતિ વણસી રહી હોય એવું લાગી રહ્યું છે. સત્તાનો તખ્તો પલટાઈ રહ્યો હોય એવા એંધાણ વર્તાય રહ્યા છે. પાકિસ્તાન ગૃહ મંત્રાલયે એક સરકારી આદેશ જાહેર કરીને સમગ્ર દેશને ઝટકો આપી દીધો છે. 

400 જેટલા સૈનિક રસ્તા પર ઊતર્યા
સરકારે કોઈ અજાણ્યા થ્રેટ (ડર)ના કારણે પાકિસ્તાન બંધારણની કલમ 245 લાગુ કરી દીધી છે. રાવલપિંડીમાં છ મહિના સુધી પાકિસ્તાન સૈન્યના આશરે 400 જવાન હથિયાર સાથે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. પાકિસ્તાન સરકારે તાજેતરમાં નોટિફિકેશન જાહેર કર્યું છે. જેના અંતર્ગત રાવલપિંડીમાં સૈન્યની હથિયારથી સજ્જ 3 કંપનીઓ ઊતારવા આદેશ આપવામાં આવ્યા છે. રાવલપિંડી એ શહેર છે જ્યાં આસિમ મુનિરનું હેડક્વાર્ટર છે. અહીંયા જ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ ગણાતા અધિકારી છૂપાઈને બેસી રહ્યા હોય છે. હવે છ મહિના સુધી દરેક વિસ્તારમાં સૈન્ય જવાન જોવા મળશે.સરકારી નોટિફિકેશન કે પરિપત્ર ભલે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા માટે એક સામાન્ય પ્રક્રિયા હોવાનું જણાવે પણ અંદરથી વાત એવી સામે આવી રહી છે કે, જનરલ આસિમ મુનિરના હાથમાંથી પોતાનો જ ગઢ હાથમાંથી સરકી રહ્યો છે.જે શહેરમાં સૈન્યનું હેડક્વાર્ટર છે ત્યાં ફૌજની ટીમ હોવાનું એ સાબિત કરે છે કે, ફરી કંઈક મોટું થવાનું છે. 

પોલીસે હાથ ઊંચા કરી દીધા
પાકિસ્તાનના બંધારણની કલમ 245 સરકારને નાગરિક અશાંતિ અથવા કટોકટીની પરિસ્થિતિઓને સંભાળવા માટે સીધા જ રસ્તાઓ પર સેના તૈનાત કરવાની સત્તા આપે છે. જોકે જ્યારે દેશના સૌથી મોટા લશ્કરી કેન્દ્ર રાવલપિંડીની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ અત્યંત નાજુક બની જાય છે.સૂત્રોમાંથી વિગત એવી પણ સામે આવી રહી છે કે, સ્થાનિક પોલીસે અને પેરામિલિટરી રેંજર્સે પોતાના હાથ ઊંચા કરી દીધા છે. આગામી છ મહિના સુધી રાવલપિંડી કોઈ સૈન્ય છાવણી હોય એવો માહોલ દેખાડે છે. કારણ એવું પણ જાણવા મળ્યું છે કે, ઈમરાન ખાનની લોકપ્રિયતા ઘટી રહી છે જેને લઈ ઈસ્લામા બાદમાં મોટું વિરોધ પ્રદર્શન થઈ શકે છે. તાજેતરમાં જ રાવલપિંડી મોલમાં હિંસા થઈ હતી.

રાવલપિંડી પર કંટ્રોલ કોનો?
બીજી તરફ જાણવા મળ્યું છે કે, આસિમ મુનિર સામે પાકિસ્તાનના નાગરિકનો ગુસ્સો વધી રહ્યો છે. પાકિસ્તાનના ઈતિહાસમાં કોઈ સેનાધ્યક્ષ પાસે અધિકાર નહીં હોય એવા અધિકાર અને રાઈટ્સ જનરલ આસિમ મુનિરને આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ હકીકત એવી પણ છે કે, પાકિસ્તાન સરકારની લાચારી અને હથિયાર રાજને કારણે ફરી મુદ્દો સામાન્ય નાગરિકની સુરક્ષાનો ઊઠી રહ્યો છે.આટલી મોટી સંખ્યામાં જવાનો રસ્તા પર ઊતરતા આ વિષય એ દર્શાવે છે કે, પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકાર માત્ર કાગળ પર જ ચાલી રહી છે. રાવલપિંડીનો કંટ્રોલ હકીકતમાં કોઈ બીજી વ્યક્તિના હાથમાં છે જેની પાસે સૈન્ય છે. આવા આકા કોઈ બંકરમાં બેઠેલા પણ હોઈ શકે છે.