Sun Aug 23 2026

Logo

વિદેશ મંત્રાલય હાફિઝ સઈદને મોકલશે સમન્સ, લાહોર સુધી પડઘા પડ્યા હવે પાકિસ્તાન શું કરશે?

2026-08-22 18:42:24
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)હવે આતંકવાદી હાફિઝ સઈદને સમન્સ પાઠવશે. લશ્કર એ તોએબાના ચીફ અને પહલગાંવ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ વિદેશ મંત્રાલય સમન્સ મોકલશે. પહલગાંવ હુમલાના કેસમાં NIA હાફિઝ સઈદની સામે સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવા માટે તેને આરોપી બનાવશે. આ કેસમાં જરૂરી એવી તૈયારીઓ થઈ ગઈ છે અને સઈદને આરોપી તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરની NIA કોર્ટે પગલગાંવ હુમલા કેસમાં હાફિઝ સઈદ સામે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરી દીધું છે. 

કોર્ટમાં હાજર થવા સમન્સ

કોર્ટની સુનાવણીમાં હાજર રહેવા માટે કોર્ટે સમન્સ મોકલ્યું છે. પહેલગામ હુમલાની ટ્રાયલ BNSS-2023 ની કલમ 365 હેઠળ શરૂ કરવામાં આવશે. જેને ટ્રાયલ ઓફ એબસેન્ટિયા તરીકે ઓળખાવામાં આવે છે. આ પછી કાયદાકીય પ્રક્રિયામાં હાથ ધરવામાં આવશે. પહેલગામમાં આતંકવાદી હુમલો તા.22 એપ્રિલ, 2025 ના રોજ થયો હતો. તે બપોરે દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ક્ષેત્રની બૈસરન ખીણમાં પ્રવાસીઓને ટાર્ગેટ કરીને લમણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતની કોર્ટમાંથી પ્રક્રિયા થયા બાદ હવે સઈદને લાહોરમાં કોર્ટનું સમન્સ બજાવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સમન્સ વિદેશ મંત્રાલય (MEA) દ્વારા પાકિસ્તાન મોકલવામાં આવશે.NIAએ જુલાઈ મહિનામાં સઈદને આતંકવાદી જાહેર કર્યો હતો અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર આરોપી તરીકે જાહેર કરાયો હતો. 

આ આરોપ સિદ્ઘ થયા 

ભારતની સામે આતંકવાદી કાવતરા ઘડવા, યુદ્ધ માટે ઉશ્કેરવા માટે મોટી ભૂમિકા નિભાવવાના આરોપ મૂકવામાં આવ્યા છે. આ પછી જમ્મી કાશ્મીરની સ્પેશ્યલ કોર્ટે જુલાઈ મહિનામાં સઈદ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું.  સમન્સ બજાવવાની પ્રક્રિયા હવે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, સઈદને કોર્ટ સમક્ષ હાજર થવાની ઔપચારિક તક આપવામાં આવે. જો સમન્સ બજાવવા છતાં તે હાજર રહેવામાં નિષ્ફળ જાય અને નિર્ધારિત કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય, તો તેની સામે આગળની કાર્યવાહીનો માર્ગ મોકળો થઈ શકે છે. ભારત એવા કેસોમાં નવા ફોજદારી કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી આગળ વધારવાની તૈયારી કરી રહ્યું છે, જ્યાં આરોપી વિદેશમાં હોય અને તેમની ધરપકડ અથવા પ્રત્યાર્પણ શક્ય ન હોય. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 356 માં ચોક્કસ નિર્ધારિત શરતોને આધીન, જાહેર કરાયેલા ગુનેગાર સામે તેમની ગેરહાજરીમાં તપાસ, ટ્રાયલ અથવા ચુકાદો ચલાવવાની જોગવાઈઓ છે.

આંતરરાષ્ટ્રીય ફલક પર થશે અસર

સરકાર સઈદ સામે ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ કરતા પહેલા તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા પર ભાર મૂકી રહી છે. લાહોરમાં કોર્ટ સમન્સ બજાવવાનો પ્રયાસ આ પ્રક્રિયાનો એક ભાગ છે. આ ભારતને એક સત્તાવાર રેકોર્ડ પણ પ્રદાન કરશે. જે દર્શાવે છે કે તેણે આરોપીને ભારતીય ન્યાયિક પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપવા માટે ઉપલબ્ધ કાનૂની અને રાજદ્વારી ચેનલોનો ઉપયોગ કર્યો હતો. પહેલગામ હુમલા અંગે હાફિઝ સઈદ સામે મજબૂત કાનૂની કેસ બનાવવાની પ્રક્રિયા ભારત-પાકિસ્તાન સંબંધો અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ચર્ચાઓને અસર કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે ભારતના વલણને મજબૂત બનાવી શકે છે, ખાસ કરીને આતંકવાદી ફંડ અને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) અંગેની ચર્ચામાં આની અસર થઈ શકે છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે કે, તે તેની ધરતી પરથી કાર્યરત આતંકવાદી નેતાઓ સામે પૂરતી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. જ્યારે પાકિસ્તાન કહે છે કે, આતંકવાદી ભંડોળના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ હાફિઝ સઈદ કસ્ટડીમાં છે, ત્યારે ભારતીય એજન્સીઓ તેને પહેલગામ હુમલા સહિત મોટા આતંકવાદી કાવતરાઓ સાથે જોડવાનું ચાલુ રાખે છે.