Mon Oct 05 2026

Logo

CINTAA વિવાદ વચ્ચે પૂનમ ઢિલ્લોંની તબિયત લથડી! હોસ્પિટલમાં સારવાર હેઠળ, અભિનેત્રીએ મેસેજ કરી આપી માહિતી...

2026-08-22 15:18:00
Author: Darshana Visaria
CINTAA વિવાદ વચ્ચે પૂનમ ઢિલ્લોંની તબિયત લથડી! હોસ્પિટલમાં સારવાર હેઠળ, અભિનેત્રીએ મેસેજ કરી આપી માહિતી...

બોલીવૂડની દિગ્ગજ એક્ટ્રેસ અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)ના પ્રમુખ પૂનમ ઢિલ્લોંની તબિયત લથડતાં તેમને મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ‘સોહની મહિવાલ’, ‘યે વાદા રહા’, ‘ત્રિશૂલ’ અને ‘નામ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર પૂનમ ઢિલ્લોં ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. આ સમાચાર સામે આવતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ફેન્સ માં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સોશિયલ મીડિયા પર તેમના સ્પીડી રિકવરી માટે પ્રાર્થનાઓ થઈ રહી છે.

જાણીતા પત્રકારે બોલીવૂડ એક્ટ્રેસ પૂનમ ઢિલ્લોંના હેલ્થ અંગે મહત્ત્વની અપડેટ આપતાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર મળતાં જ તેમણે મેસેજ કરીને અભિનેત્રીની ખબરઅંતર પૂછી હતી. જેના જવાબમાં પૂનમ ઢિલ્લોંએ જણાવ્યું હતું કે તેઓ હવે પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા છે અને ઝડપથી રિકવર થઈ રહ્યા છે. ડોક્ટર્સની ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તેમની હાલત હાલ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

પૂનમ ઢિલ્લોં બીમાર પડ્યા તેવા સમયે CINTAA સંગઠનમાં નેતૃત્વને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં સંગઠનના 11 કાર્યકારી સમિતિ સભ્યોએ (જેમાં આઠ ચૂંટાયેલા સભ્યો સામેલ હતા) વર્તમાન નેતૃત્વ સામે સવાલો ઉઠાવીને સામૂહિક રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનારા સભ્યોએ સંગઠનમાં પારદર્શિતા અને સામૂહિક નિર્ણય પ્રક્રિયાના અભાવનો આરોપ લગાવી નવી ચૂંટણીની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે CINTAAના જનરલ સેક્રેટરી અને જાણીતી એક્ટ્રેસ ઉપાસના સિંહે પ્રમુખ પૂનમ ઢિલ્લોં અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ્મિની કોલ્હાપુરે સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઉપાસના સિંહે દાવો કર્યો હતો કે જે પણ સભ્ય પૂનમ ઢિલ્લોંની વાત સાથે સહમત ન થાય કે 'જી મેડમ' ન કહે, તેમને તાત્કાલિક કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારવામાં આવતી હતી. જોકે, પૂનમ ઢિલ્લોંએ આ તમામ આક્ષેપોને નકારી કાઢતાં અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારના કાદવ-કીચડ ઉછાળવાના વિવાદમાં પડવા માંગતા નથી.