Mon Sep 07 2026

Logo

ટ્રીસા-ગાયત્રી સેમિમાંઃ ભારતને 15 વર્ષે ફરી મળશે ડબલ્સનો ચંદ્રક

2026-08-21 20:56:53
Author: Ajay Motiwala
ટ્રીસા-ગાયત્રી સેમિમાંઃ ભારતને 15 વર્ષે ફરી મળશે ડબલ્સનો ચંદ્રક

નવી દિલ્હીઃ બૅડ્મિન્ટન (Badminton)ની સિંગલ્સમાં પી. વી. સિંધુ 2019માં વર્લ્ડ ચૅમ્પિયન બની હતી, પણ મહિલાઓની ડબલ્સમાં ભારત વર્લ્ડ ચૅમ્પિયનશિપ નથી જીતી. જોકે ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદે આ વખતે દેશને મોટી આશા અપાવી છે, કારણકે શુક્રવારે તેમની જોડીએ દિલ્હીમાં આ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલ જીતીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યા હતો.

ભારત મહિલા વર્ગમાં હવે ડબલ્સમાં ઐતિહાસિક વર્લ્ડ ચૅમ્પિયનપદ મેળવે કે ન મેળવે, પરંતુ ટ્રીસા-ગાયત્રીએ દેશને એક ચંદ્રક (Medal) પાક્કો કરી આપ્યો છે. નિયમ અનુસાર તેઓ હવે સેમિ ફાઇનલમાં હારશે તો પણ બ્રૉન્ઝ મેડલ તો મેળવશે જ. આ પહેલાં, છેક 2011માં (15 વર્ષ પહેલાં) જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ આ સ્પર્ધાનો બ્રૉન્ઝ મેડલ જીત્યો ત્યાર બાદ મહિલા ડબલ્સમાં ભારતને એકેય વખત ચંદ્રક નહોતો મળ્યો.

ટ્રીસા-ગાયત્રીની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની જિઆ યી ફાન અને ઝાન્ગ શુ શીઆન સામેના મુકાબલામાં જોરદાર કમબૅક કરીને જોડીને આ ચીની જોડીને 16-21, 21-15, 21-13થી હરાવી દીધી હતી.

ભારતનો બૅડમિન્ટન-લેજન્ડ પુલેલા ગોપીચંદ તેની પુત્રી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસાનો કોચ છે. પુલેલાએ બન્નેને મૅચ પહેલાં સલાહ આપી હતી કે `કોઈ પણ સ્થિતિમાં મગજ શાંત રાખજો અને જે સ્થિતિ સામે આવી હોય એનો સામનો કેવી રીતે કરવો એ વિશે જ વિચારજો.' ટ્રીસાએ શુક્રવારે કહ્યું ‘અમે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ પછીથી તરકીબ બદલી હતી અને છેવટે અમે જીતી ગયાં.'

દરમિયાન પુરુષોમાં સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીનો ક્વૉર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો. તેમને ચીનના લીઆન્ગ-વૉન્ગની જોડીએ 21-18, 21-9થી હરાવ્યા હતા.