Sun Aug 23 2026

Logo

દાદરમાં ફૂલ બજાર અને શાકભાજી બજારમાં નીકળતા કચરા પર સ્થાનિક સ્તરે પ્રક્રિયા કરાશે

2026-08-22 22:53:34
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડ પરની નિર્ભરતા ઓછી કરવાના પ્રયાસરૂપે દરરોજ લગભગ પચીસ મેટ્રિક ટન  કચરો જયાં ઉત્પન્ન થાય છે તે દાદરના ફૂલ અને શાકભાજી બજારોમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્તરે વેસ્ટ પ્રોસેસિંગ ફેસેલિટી (કચરો પ્રક્રિયા કરવાની સુવિધા) જોવા મળી શકે છે.  સ્થાનિક સ્તરે કચરા પર નિકાલ કરવાના પ્રોજેક્ટથી ડમ્પિંગ ગ્રાઉન્ડ પર દબાણ તો ઓછું થશે પણ સાથે જ રોજગારી પણ ઉપલબ્ધ થશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

પાલિકાના એડિશનલ કમિશનર પ્રાજક્તા વર્મા લવંગારેએ શનિવારે દાદર (પશ્ર્ચિમ)માં આવેલી ફૂલ બજાર અને નજીક જ આવેલી ક્રાંતિસિંહ નાના પાટીલ મહાનગરપાલિકા ભાજી માર્કેટનું ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમ્યાન તેમણે  જી-નોર્થ વોર્ડના અધિકારીઓને કચરા પર  પ્રક્રિયા કરવા અને તેને ઉપયોગી સંસાધનોમાં રૂપાંતરિત કરવા માટે સ્થાનિક ઉકેલો શોધવાનો નિર્દેશ આપ્યો હતો. 


દાદરના મીનાતાઈ ઠાકરે ફ્લાવર માર્કેટમાં દરરોજ લગભગ ૧૦ મેટ્રિક ટન ફૂલોનો કચરો ઉત્પન્ન થાય છે. કચરાને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવાને એડિશનલ કમિશનર લવંગારેએ જી-નોર્થ વોર્ડને ફૂલોના કચરાને કાર્બનિક ખાતર, અગરબત્તી અને અન્ય ઉપયોગી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા માટે લોકલ પ્રોસેસિંગ પ્રોજેકટ શોધવાનો પણ નિર્દેશ આપ્યો હતો.આ પહેલ કચરાના અલગીકરણને પ્રોત્સાહન આપશે, પરિવહન ખર્ચ ઘટાડશે, સ્થાનિક રોજગારી પેદા કરશે અને કચરાની સમસ્યાને મૂળ સ્થાને ઉકેલશે એવું તેમણે જણાવ્યું હતું.


એડિશનલ કમિશનરે અધિકારીઓને ટ્રાફિક જૅમ હળવો કરવા, માલસામાનના વાહનોને બજારની આસપાસના રસ્તાઓ પર પાર્ક કરવાથી રોકવા અને ફક્ત નિયુક્ત સ્થળોએ જ પાર્કિંગ સુનિશ્ર્ચિત કરવા માટે પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો. દાદરના વેપારી સંગઠનોને વ્યવસ્થિત પાર્કિંગ અને સરળ ટ્રાફિક અવરજવર જાળવવા માટે પાલિકા પ્રશાસન સાથે સહયોગ કરવા કહેવામાં આવ્યું છે. તેવી જ રીતે દાદર (પશ્ર્ચિમ) સ્ટેશન નજીક ક્રાંતિસિંહ નાના પાટીલ મ્યુનિસિપલ શાકભાજી બજારમાં દરરોજ લગભગ ૧૫ મેટ્રિક ટન શાકભાજીનો કચરો ઉત્પન્ન થાય છે. લવંગારેએ અધિકારીઓને આ કચરાના સ્થાનિક, વિકેન્દ્રિત પ્રક્રિયા દ્વારા ખાતર, બાયોગેસ અને અન્ય કાર્બનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે શોધ કરવાનો નિર્દેશ આપ્યો, જેનાથી દૂરના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પરિવહનની જરૂરિયાત ઓછી થાય.