Thu Aug 27 2026

Logo

જામીન પર છૂટ્યા પછી ફરાર થયેલો હત્યા કેસનો આરોપી 40 વર્ષે પુણેમાં પકડાયો

2026-08-22 19:26:09
Author: Yogesh C. Patel
જામીન પર છૂટ્યા પછી ફરાર થયેલો હત્યા કેસનો આરોપી 40 વર્ષે પુણેમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હત્યાના કેસમાં જામીન પર છૂટ્યા પછી સેશન્સ કોર્ટમાં સુનાવણી માટે હાજર થવાને બદલે ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે છેક 40 વર્ષે પુણેમાં પકડી પાડ્યો હતો.સાકીનાકા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સુરેશ ચંદર અડાગળે (68) તરીકે થઈ હતી. સુનાવણીમાં હાજર થતો ન હોવાથી સેશન્સ કોર્ટે તેની વિરુદ્ધ સ્ટેન્ડિંગ વૉરન્ટ જારી કર્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ 1985માં હત્યાના એક કેસમાં 19 વર્ષના સુરેશની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે સુરેશ બોરીવલી પૂર્વમાં રાય ડોંગરી ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. બાદમાં કોર્ટે જામીન મંજૂર કરતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો.

આ કેસનો ખટલો 1986માં સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટના આદેશ છતાં સુરેશ હાજર થતો નહોતો. કોર્ટમાં હાજર ન રહેવાને કારણે તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ ઈશ્યુ કરાયા હતા. ખાસ્સી શોધ ચલાવ્યા છતાં તે હાથ ન લાગતાં સેશન્સ કોર્ટે સ્ટેન્ડિંગ વૉરન્ટ જારી કર્યા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરેશના બોરીવલીના સરનામે પહોંચી પોલીસની ટીમે પડોશીઓ અને અન્ય રહેવાસીઓની પૂછપરછ કરતાં સુરેશ અહિલ્યાનગરના શ્રીગોંદા તાલુકામાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે પોલીસને તે શ્રીગોંદામાં પણ હાથ લાગ્યો નહોતો. અંતે પુણેના શિરુર તાલુકામાં રાંજણગાવમાં તે નજરે પડ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે રાંજણગાવ એમઆઈડીસી પોલીસની મદદથી સુરેશને તાબામાં લેવાયો હતો. ઓળખની ખાતરી કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.