બીજિંગઃ તિબેટમાં ચીન-નેપાળ સરહદે આવેલા ગામડાઓ અને નગરોમાં અચાનક આવેલા વિનાશક પૂર બાદ ચીનના પ્રમુખ શી જિનપિંગે બુધવારે ગુમ થયેલા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે શક્ય તમામ પ્રયાસો કરવાના આદેશ આપ્યા હતા. આ ભયંકર પૂરના લીધે જાનમાલનું ભારે નુકસાન થયું છે.
પીપલ્સ આર્મ્ડ પોલીસની શિગાઝે ટુકડીના કુલ ૧૪૫ અધિકારીઓ અને સૈનિકોને કટોકટી રાહત કામગીરીમાં મદદ કરવા માટે અસરગ્રસ્ત સરહદી વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. તિબેટની સરહદે આવેલા મધ્ય નેપાળના બે જિલ્લાઓમાં બુધવારે અચાનક આવેલા વિનાશકારી પૂરમાં ચાર લોકોના મોત થયા હતા. નદી કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી મચી હતી. તેમજ એક ડઝન જળવિદ્યુત પરિયોજનાઓને નુકસાન થયું હતું.
ગુમ થયેલા આશરે ૪૦૦ લોકોમાંથી ૧૦૫ ભારતીય અને ૩૭ બિન-નિવાસી ભારતીય(એનઆરઆઇ)નો સમાવેશ થાય છે. શીએ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને ઘાયલોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા હતા. જેથી કરીને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય.
ચીનના મીડિયા અહેવાલ અનુસાર શી જિનપિંગે બુધવારે સવારે ૧૦-૩૦ વાગ્યે થયેલા મડસ્લાઇડ બાદ આ આદેશ આપ્યો હતો. આ ઘટનામાં ભારે નુકસાન થયું હતું. તેમજ ગ્યિરોંગ કાઉન્ટીના ગ્યિરોંગ સરહદી વિસ્તારમાં અનેક લોકો ગુમ થયા હતા.
શીએ નિયંત્રણ અને અગમચેતી પ્રણાલીઓને મજબૂત બનાવવા, વૈજ્ઞાનિક રીતે બચાવ કામગીરી કરવા અને અન્ય આપત્તિઓના નિવારણ પર પણ ભાર મૂક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચીનનો તિબેટ સ્વાયત્ત પ્રદેશ નેપાળ સાથે સરહદ ધરાવે છે અને બંને દેશોની વચ્ચે સરહદ ક્રોસિંગ નજીક ભૂસ્ખલન થયું હતું.