Mon Sep 07 2026

Logo

બુલેટ ટ્રેનની 'સ્પીડ' પહેલાં ખર્ચે પકડી 'રફતાર'! ₹ 2.1 લાખ કરોડ, તો ભાડું કેટલું હોઈ શકે?

2026-08-26 20:07:00
Author: Mumbai Samachar Team
બુલેટ ટ્રેનની 'સ્પીડ' પહેલાં ખર્ચે પકડી 'રફતાર'! ₹ 2.1 લાખ કરોડ, તો ભાડું કેટલું હોઈ શકે?

મુંબઈઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચો આશરે 2.1 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. શરૂઆતના તબક્કામાં એવું અનુમાન હતું કે, ખર્ચ બમણો થવા પાછળ જમીન અને અન્ય પાસા હોઈ શકે છે. બુલેટ ટ્રેનની હાઈસ્પીડ જોવા માટે થોડો સમય રાહ જોવી પડશે. હાલમાં ગુજરાતમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ અને ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. એકવાર સ્ટેશન તૈયાર થયા બાદ જે તે ટ્રેક પર ટ્રાયલ થશે અને પછી ટ્રેન ચાલુ થશે, જેમાં પહેલા તબક્કામાં ગુજરાતમાં ટ્રેન શરુ થશે. 

કઈ રીતે વધ્યો ખર્ચ?

508 કિમી લાંબા રૂટ પરનો ખર્ચ મંજૂર કરવા માટે કેબિનેટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રેલવેના હિસાબ અનુસાર પ્રોજેક્ટનો ખર્ચો વધારે હોવાના કારણે કેટલાક કામમાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય, જાપાન પાસેથી ટ્રેનનો સેટ મળવામાં પણ મોડું થયું. બીજી તરફ ગુજરાતની તુલનામાં મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ મોડું શરૂ થયું. આમ નિશ્ચિત કરેલો સમય વહી જતા અને વિલંબ થતા ખર્ચો વધી ગયો.



ગત જાન્યુઆરી મહિનામાં બોર્ડ ચેરમેને આ ખર્ચ આશરે 1.98 લાખ કરોડ ગણાવી દીધો હતો. આ પ્રોજેક્ટ માટેના પ્રાથમિક ભંડોળમાં જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અને સરકારી બજેટનો ફાળો છે. આ ખર્ચમાં વધારાનો મોટો ભાગ હવે સરકારી બજેટ દ્વારા આવરી લેવામાં આવે તેવી અપેક્ષા છે. રેલવેએ એમ પણ જણાવ્યું છે કે, હાઇ-સ્પીડ ટ્રેન ભારતમાં બનાવવામાં આવશે, જ્યારે પ્રતિટ્રેનની કિંમત આશરે ₹ 390-400 કરોડ હોવાનો અંદાજ છે. 

સરકારની સ્પષ્ટતા

હવે સરકારનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ ભારતમાં હાઇ-સ્પીડ રેલ ટેકનોલોજી માટે મહત્વપૂર્ણ છે, જે દેશભરમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કને પ્રોત્સાહન આપવા તરફ એક મોટું પગલું છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર 508 કિલોમીટર લાંબો છે. આ રૂટ પર બાર સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. 



સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોને આવરી લે છે. નવીનતમ માહિતી દર્શાવે છે કે સમગ્ર કોરિડોર લગભગ 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે પ્રથમ વિભાગ ઓગસ્ટ 2027માં શરૂ કરવાની યોજના છે. 

અપેક્ષા કરતા વધુ હોઈ શકે ભાડું

આનો અર્થ એ છે કે મુસાફરોએ સંપૂર્ણ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સેવા માટે થોડો સમય રાહ જોવી પડશે. આટલા વધી ગયેલા ખર્ચ પરથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, આ ટ્રેનની ટિકિટ અપક્ષા કરતા ઘણી વધારે હોઈ શકે છે. હાલમાં ભાડાને લઈને રેલવેએ કોઈ ચોખવટ કરી નથી, પણ એવું માનવામાં આવે છે કે, મુંબઈથી અમદાવાદનું ભાડુ સામાન્ય જે રહે છે એના કરતા ઘણું વધુ નક્કી થઈ શકે છે. 

ગુજરાતમાં સંપૂર્ણ રીતે સ્ટેશન તૈયાર થયા બાદ ટ્રાયલ રન શરૂ કરવામાં આવી એવું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સુરત અને અમદાવાદ પાસેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એવાર સમગ્ર ટ્રેક થયા બાદ અને સ્ટેશનમાં જરૂરી સાધનો આવ્યા બાદ ટેસ્ટ અંગે વિભાગ વિચારણા કરી શકે એમ છે.