Tue Oct 06 2026

Logo

ધાર્મિક માળખું તોડી પાડતાં તેની સરાહના કરનારી વ્યક્તિને પાકિસ્તાનના નંબર પરથી ધમકી અપાઇ

2026-09-07 07:58:17
Author: Yogesh D. Patel
ધાર્મિક માળખું તોડી પાડતાં તેની સરાહના કરનારી વ્યક્તિને પાકિસ્તાનના નંબર પરથી ધમકી અપાઇ

જમ્મુ-કાશ્મીરના વતનીની ધરપકડ: તેની પાસેથી શંકાસ્પદ સિમ કાર્ડ મળ્યાં

મુંબઈ: બાંદ્રામાં અનધિકૃત બાંધકામો તોડતી વખતે ધાર્મિક માળખું તોડી પાડવામાં આવ્યા બાદ તેની સરાહના કરનારી વ્યક્તિને પાકિસ્તાનના નંબર પરથી વ્હૉટ્સઍપ પર ધમકી આપવા પ્રકરણે ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટે (સીઆઇયુ) જમ્મુ-કાશ્મીરના વતનીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મોહંમદ શરીફ (45) તરીકે થઇ હોઇ તેની પાસેથી શંકાસ્પદ સિમ કાડર્સ મળ્યાં હતાં, જે પાકિસ્તાનના હોવાનું કહેવાય છે.

આરોપી મોહંમદ શરીફ મૂળ જમ્મુ-કાશ્મીરનો વતની છે અને બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. સીમાપાર તે કોની સાથે સંદેશવ્યવહાર કરતો હતો અને કોના સંપર્કમાં હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈમાં અનેક વર્ષોથી કામ કરતા મોહંમદ શરીફની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. શરીફના મોબાઇલ નંબરની તપાસ કરવામાં આવતાં તે પાકિસ્તાન સ્થિત નંબર સાથે સંપર્કમાં હતો, એવું જાણવા મળ્યું હતું. 

બાંદ્રામાં રેલવેની જમીન પર ઊભા કરાયેલા અનધિકૃત બાંધકામોને તોડવામાં આવ્યાં હતાં, જેમાં એક ધાર્મિક માળખાનો પણ સમાવેશ હતો. આ કાર્યવાહી બદલ સંબંધિત વિભાગની એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર સરાહના કરવામાં આવી હતી. બાદમાં એક વ્યક્તિને વ્હૉટ્સઍપ પર ધમકીભર્યા કૉલ્સ આવવા લાગ્યા હતા. તેને ધમકીભરી વોઇટ નોટ પણ મોકલવામાં આવી હતી, એવો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો.

આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી હતી. જે નંબરો પરથી ધમકી આપવામાં આવી હતી, તેની તપાસ કરાઇ હતી, જેમાં પાકિસ્તાનના નંબર સાથે ભારતીય મોબાઇલ નંબર પણ હતો. આ નંબરની માહિતી મેળવવામાં આવી હતી અને બાદમાં પોલીસ ટીમ આરોપી સુધી પહોંચી હતી. પૂછપરછ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે આરોપીનો પિતા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વસવાટ કરે છે અને આરોપી તેની સાથે સંપર્કમાં હતો.

એક અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત નંબર સાથે સંદેશવ્યવહારની કડીઓનો તે હિસ્સો હોઇ શકે એવી શંકાની તપાસ કરાઇ રહી છે. જોકે ધમકી મોકલવામાં તેની સીધી સંડોવણી છે કે કેમ તે હજી સ્થાપિત થયું નથી. આરોપી પાસેથી અમુક શંકાસ્પદ સિમ કાડર્સ મળી આવ્યાં છે, જેની પાકિસ્તાન સાથે કડી હોઇ શકે છે. દરમિયાન આરોપીના વકીલ શ્રેયસ મોરેએ કહ્યું હતું કે ફરિયાદીને ધમકી આપવામાં મારા અસીલની કોઇ ભૂમિકા કે સીધી સંડોવણી નથી. અલગ અલગ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી અને આરોપીને તે નંબર પરથી ફક્ત સંદેશવ્યવહાર પ્રાપ્ત થતો હતો.