Mon Sep 07 2026

Logo

દક્ષિણ મુંબઈમાં રસ્તાનું કૉંક્રીટીકરણનું કામ માત્ર ૧૫ ટકા પૂર્ણ કૉન્ટ્રેક્ટરનો કરાર રદ કરવાની માગણી

2026-09-07 08:08:55
Author: Sapna Desai
દક્ષિણ મુંબઈમાં રસ્તાનું કૉંક્રીટીકરણનું કામ માત્ર ૧૫ ટકા પૂર્ણ કૉન્ટ્રેક્ટરનો કરાર રદ કરવાની માગણી

પ્રતીકાત્મક તસવીર


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણના કામ અત્યંત ઘીમી ગતિએ ચાલી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર ૧૫ ટકા કૉંક્રીંટીગનું કામ થયું હોઈ  સંબંધિત કૉન્ટ્રેક્ટરોના કૉન્ટ્રેક્ટ રદ કરવાની માગણી પાલિકા કમિશનરને કરવામાં આવી છે.મુંબઈના તમામ રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન કરવાનો મેગા પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધો છે. ઉપનગરમાં રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું કામ ઝડપથી થઈ રહ્યું છે પણ દક્ષિણ મુંબઈમાં કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાની ફરિયાદ નગરસેવકો દ્વારા સતત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં કોલાબાના ભાજપ નગરસેવક મકરંદ નાર્વેકરે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડે અને એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરને પત્ર લખીને એનસીસી લિમિટેડને આપવામાં આવેલ કૉન્ટ્રેક્ટ તાત્કાલિક રદ કરવાની માગણી  કરી છે. પત્રમાં મકરંદ નાર્વેકરે લખ્યું  છે કે છેલ્લા ત્રણ વર્ષમાં કૉંક્રીટાઈઝેશનનું માત્ર ૧૫ ટકા કામ પૂર્ણ થયું છે. દક્ષિણ મુંબઈમાં આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે મે, ૨૦૨૪માં એનસીસી લિમિટેડને લગભગ ૧,૩૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ૨૦૨૩ થી વિલંબનો સામનો કરી રહ્યો છે. પ્રોજેકટમાં શરૂઆતથી જ મોડો પડ્યો હતો. અગાઉ નિયુક્ત કાન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યું ન હતું. તેથી તેનો કૉન્ટ્રેક્ટ રદ કરવામાં આવ્યા બાદ એનસીસી લિમિટેડની નિમણૂક કરવામાં આવી હતી. એ બાદ કામ ઝડપથી થશે અને નાગરિકોને ટ્રાફિક જૅમ અને ખરાબ રસ્તાઓની સમસ્યાથી રાહત મળશે એવી અપેક્ષા હતી પણ  કમનસીબે ૨૦૨૬ ની શરૂઆત પછી અને સમગ્ર પ્રોજેક્ટ શરૂ થયાના બે વર્ષથી વધુ સમય પછી પણ સંબંધિત કંપનીએ  તેની કરારની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે. દક્ષિણ મુંબઈના ઘણા મહત્ત્વપૂર્ણ ભાગોમાં કામ હજુ પણ અટકેલું છે.

નગરસેવકના કહેવા મુજબ દક્ષિણ મુંબઈમાં રસ્તાના કામ કરવામાં કૉન્ટ્રેક્ટર અક્ષમ જણાય છે. અપૂરતી ક્ષમતા અને કામમાં તાકીદનો અભાવ સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનચાલકોને અને સ્થાનિક  રહેવાસીઓને  ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  નબળી કામગીરી અને હજુ સુધી શરૂ ન થયેલા મોટી સંખ્યામાં કામોને ધ્યાનમાં લેતા પાલિકાએ  કરારમાં દંડની જોગવાઈઓનો અમલ કરીને સંબંધિત લિમિટેડનો કરાર તાત્કાલિક રદ કરવો જોઈએ. તેમ જ હાલના કરારને ઝોનવાર વિભાજિત કરીને બાકીના કામને ઝડપી બનાવવાની માગણી પણ નગરસેવકે કરી હતી.                  
વીઆઈપી રોડ પર કામ અટક્યું
પાલિકાના સત્તાવાર ડેશબોર્ડ પરના ડેટા અનુસાર દક્ષિણ મુંબઈના ઝોન- એક સિમેન્ટ-કાૅંંક્રીટાઈઝેશન રસ્તાઓની પ્રગતિ સૌથી ધીમી છે. આ ઝોનમાં કોલાબા, ફોર્ટ, નરીમાન પોઈન્ટ, ચર્ચગેટથી ડોંગરી, મોહમ્મદ અલી રોડ, ભૂલેશ્ર્વર, મલબાર હિલ, ભાયખલા, મુંબઈ સેન્ટ્રલ અને નાગપાડા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આમાંના ઘણા રસ્તા શહેરના ટ્રાફિક વ્યવહાર માટે ખૂબ જ મહત્ત્વના ગણાય છે. ઘણી જગ્યાએ રસ્તાના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ રસ્તાના કામો પછી ફૂટપાથની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. ત્રણ વર્ષ પછી પણ શહેરમાં માત્ર ૧૫ ટકા કામ પૂર્ણ થયું છે.

૧૨૭ રસ્તાના કામ હજી પણ બાકી
દક્ષિણ મુંબઈના ઝોન એકમાં કુલ ૩૩૫ રસ્તાઓનું સિમેન્ટ્ર-કૉંક્રીટાઈઝેશન  કરવાનો પ્રસ્તાવ છે, જેની કુલ લંબાઈ ૮૩.૪૧ કિલોમીટર છે. તેમાંથી માત્ર ૧૪૫ રસ્તાના કામ પૂર્ણ થયા છે. ૬૩ રસ્તાઓનું કામ વચગાળાના તબક્કામાં અટકેલું છે અને ૧૨૭ રસ્તાઓનું કામ હજુ શરૂ પણ થયું નથી.