Wed Aug 26 2026

Logo

સરકારે ખાંડની આયાતનાં ધોરણો હળવા કર્યા, પ્રોસેસિંગ માટેની સમયમર્યાદા વધારાઈ

2026-08-26 19:23:14
Author: Ramesh Gohil
સરકારે ખાંડની આયાતનાં ધોરણો હળવા કર્યા, પ્રોસેસિંગ માટેની સમયમર્યાદા વધારાઈ

નવી દિલ્હીઃ ખાંડની આયાતના શિપમેન્ટ વિલંબથી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા ઉદ્યોગ વર્તુળોએ ચિંતા વ્યક્ત કરતાં સરકારે આયાત કરેલી કાચી ખાંડનું પ્રોસેસિંગ કરીને સ્થાનિકમાં વેચાણ માટેની સમયમર્યાદા બે મહિનાની કરી છે. 

નોંધનીય બાબત એ છે કે સ્થાનિકમાં ખાંડનો પુરવઠો વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી આપતા સરકારે આયાતકારોને કાચી ખાંડનું પ્રોસેસિંગ કરીને 31મી ઑક્ટોબર સુધી બજારમાં વેચાણ કરવાનું જણાવ્યું હતું.

જોકે, તાજેતરની બેઠકમાં ઉદ્યોગે મંત્રાલય સમક્ષ સમયમર્યાદા અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બ્રાઝિલનાં બંદર પર થયેલા ભરાવા અને કાર્ગોના 40 દિવસનાં શિપમેન્ટના સમયગાળાને જોતા આ સમયમર્યાદા યોગ્ય ન હોવાનું જણાવતા ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ ગત 20મી ઑગસ્ટના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં ગત 24મી ઑગસ્ટના રોજ ફેરફાર કરીને આયાતી કાચી ખાંડના પ્રોસેસિંગ અને વેચાણ માટેની સમયાવધી લંબાવી છે. 

ડીજીએફટીએ સુધારિત નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ટૅરિફ રેટ ક્વૉટા (ટીઆરક્યુ) હેઠળ આયાત કરવામાં આવેલી કાચી ખાંડનું આયાત પછી વાજબી સમયગાળામાં પ્રોસેસિંગ કરવામાં આવશે. જોકે, આયાતકાર કાચી ખાંડને રિફાઈન્ડ ખાંડમાં રૂપાંતરિત કરશે અને બિલ ઑફ એન્ટ્રી ફાઈલ કર્યાની તારીખથી બે મહિના સુધીનાં સમયગાળામાં તેનું વેચાણ કરવાનું રહેશે. 

સરકારના આ નિર્ણયને આવકારતા નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાઈકનવરેએ જણાવ્યું હતું કે સરકારનો આ સકારાત્મક નિર્ણય છે અને તેનાથી મિલો આયાતની અરજી કરવા માટે પ્રોત્સાહિત થશે. 

ઉલ્લેખનીય બાબત એ છે કે મિલોએ ડીજીએફટી પોર્ટલ પર કાચી ખાંડની આયાત માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ કરી નાખ્યું છે. અરજીઓની પ્રક્રિયામાં ડીજીએફટીને બેથી ત્રણ દિવસનો સમય લાગે છે અને મિલોને આયાતની માત્રા ફાળવવામાં આવે છે ત્યાર બાદ મિલો સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં કોન્ટ્રાક્ટ પર સહી કરે છે. ત્યાર બાદ બંદર પરનાં ભરાવા અનુસાર ઑક્ટોબરનાં ત્રીજા સપ્તાહ આસપાસ ભારતીય બંદર પર શિપમેન્ટ આવે તેવી શક્યતા છે. 

અગાઉ ગત મંગળવારે દેશમાં રિટેલ સ્તરે ખાંડના ભાવ કિલોદીઠ રૂ. 64 સુધી પહોંચ્યા હોવાથી સ્થાનિકમાં પુરવઠો વધારવા અને ભાવ નિયંત્રણમાં લાવવા માટે ખાંડની આયાતને મંજૂરી આપવામાં આવી છે. જોકે, સરકારના આયાત મંજૂરી સહિત સંગ્રહખોરી ડામવા માટેના અન્ય પગલાંઓ લેવામાં આવતા ખાંડ મિલો પર ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં રિટેલ સ્તરે ભાવ ઊંચી સપાટીએ રહ્યા છે.