Sat Sep 05 2026

Logo

ક્રૂડતેલમાં ઘટાડો અને ઈક્વિટીમાં સુધારા સાથે રૂપિયો 26 પૈસા ઉછળ્યો

2026-08-25 19:40:19
Author: Ramesh Gohil
ક્રૂડતેલમાં ઘટાડો અને ઈક્વિટીમાં સુધારા સાથે રૂપિયો 26 પૈસા ઉછળ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 30 પૈસા વધીને અંતે 26 પૈસાના ઉછાળા સાથે 95.44ની સપાટીએ બંધ રહ્યો હતો. 

આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.70ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.74ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.74 અને ઉપરમાં 95.40 સુધી મજબૂત થયા બાદ અંતે 26 પૈસાના સુધારા સાથે 95.44ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો આવ્યો હતો. 

તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળી રહેલી બેતરફી વધઘટને ઘ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળતાં 95.50થી 95.60ની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં વિશ્લેષકોએ ઉમેર્યું હતું કે સંભવતઃ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રૂપિયામાં ઘટાડો મર્યાદિત રાખી શકે છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 98.96 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.99 ટકાના ઘટાડા સાથે 89.41 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 286.98 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 115.50 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1181.66 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું.