નવી દિલ્હીઃ આજે સુપ્રીમ કોર્ટમાં SIR દરમિયાન કપાયેલા નામોને લઈ સુનાવણી થઈ હતી. જેમાં પશ્ચિમ બંગાળમાં થયેલી વિધાનસભા ચૂંટણીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે અરજદારની એક દલીલ દરમિયાન કહ્યું કે, શું આ અદાલત ચૂંટણીનો નિર્દેશ આપી શકે છે. બેન્ચમાં સામેલ ન્યાયાધીશ જોયમાલ બાગચીએ કહ્યું- માની લો કે જીતનું અંતર 50 છે અને તે વિધાનસભામાં 100 મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. ટ્રિબ્યુનલ સુનાવણી દરમિયાન જો 100માંથી 70 મતદારોના નામ કાપવાને ખોટું ગણાવે છે તો સ્થિતિ અલગ થઈ જશે. શંકરનારાયણનના જણાવ્યા મુજબ ટ્રિબ્યુનલે એસઆઈઆરમાં કપાયેલા 90 ટકા નામોને યોગ્ય ગણાવ્યા છે. આ અત્યંત ગંભીર બાબત છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ડેટા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણનના જણાવ્યા મુજબ એસઆઈઆર પર અત્યાર સુધીમાં 83 હજાર કેસોમાં ટ્રિબ્યુનલે પોતાનો ચુકાદો આપ્યો છે. તેમાંથી લગભગ 75 હજાર કેસોમાં નામ કાપવાને ખોટું માનવામાં આવ્યું છે. એટલે કે 90 ટકા નામો યોગ્ય હોવાનું જણાયું છે. જો આ ડેટાને સેમ્પલ માની લેવામાં આવે તો મામલો ઘણો ગંભીર છે.
ગોપાલ શંકરનારાયણનના જણાવ્યા મુજબ બંગાળમાં કુલ 38 લાખ કેસ એસઆઈઆર સાથે સંબંધિત દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 31 લાખ કેસ નામ કઢાવવા માંગતા લોકો તરફથી દાખલ કરવામાં આવ્યા છે. 7 લાખ કેસ નામ બચાવવા માંગતા લોકો તરફથી દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં માત્ર 83 હજાર કેસોમાં જ ચુકાદો આવ્યો છે.
તૃણમૂલ કૉંગ્રેસનું કહેવું છે કે બંગાળ ચૂંટણીમાં ભાજપને 2 કરોડ 93 લાખ મત મળ્યા છે, જ્યારે ટીએમસીને 2 કરોડ 60 લાખ મત મળ્યા છે. એટલે કે ભાજપ કરતાં ટીએમસીને માત્ર 30 લાખ ઓછા મત મળ્યા છે. જ્યારે 38 લાખ કેસ એસઆઈઆરને લઈને દાખલ થયેલા છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનર્જીના જણાવ્યા અનુસાર 31 બેઠકો એવી છે, જ્યાં જીતનું માર્જિન એસઆઈઆરમાં કપાયેલા નામો કરતાં ઓછું છે. જેમાં બાલી, હેમતાબાદ, સતગછિયાની બેઠકો મુખ્ય છે. તૃણમૂલનું કહેવું છે કે જે મત કપાયા છે, તે તેમના સમર્થકોના હતા.
આ જ વર્ષે 23 એપ્રિલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જે. બાગચીએ કહ્યું હતું- માની લો, જો વિધાનસભા બેઠક પર જીતનું માર્જિન 2 ટકા રહે છે અને 15 ટકા લોકો મતદાન નથી કરી શકતા, તો આવી સ્થિતિમાં શું થઈ શકે? તેમણે કહ્યું કે આ બાબત અમારે જોવી પડશે.
શું સુપ્રીમ કોર્ટ ચૂંટણીનો આદેશ આપી શકે છે?
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન કહ્યું કે શું આ અદાલત નવા સિરેથી ચૂંટણીનો નિર્દેશ આપી શકે છે? સૂર્યકાંતે જણાવ્યું કે આ બાબતે વિચાર કરવાની જરૂર છે. જોકે, તેમણે કહ્યું કે પહેલા તમે અરજી દાખલ કરો. બંધારણની કલમ 324 મુજબ ચૂંટણી કરાવવાનો અધિકાર ચૂંટણી પંચ પાસે છે. જ્યારે કોઈપણ રચાયેલી સરકારને બરખાસ્ત કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે. કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યપાલની ભલામણ પર આ નિર્ણય લે છે. જોકે, સુપ્રીમ કોર્ટ પાસે કલમ 142 હેઠળ સંપૂર્ણ ન્યાય કરવાનો અધિકાર છે. તેના હેઠળ સુપ્રીમ કોર્ટ કોઈપણ મોટો નિર્ણય લઈ શકે છે, પરંતુ અત્યાર સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બંગાળ ચૂંટણીમાં એસઆઈઆરનો વિવાદ શું છે ?
ચૂંટણી પંચે બંગાળ ચૂંટણી 2026 પહેલાં મતદાર યાદીને નવેસરથી તૈયાર કરવા માટે એસઆઈઆર અભિયાન ચલાવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે એસઆઈઆર અભિયાન હેઠળ તેમના લોકોના નામ કાપી નાખવામાં આવ્યા હતા. ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે તૃણમૂલે આને મોટો મુદ્દો ગણાવ્યો હતો. બંગાળ ચૂંટણીમાં ભાજપને 294માંથી 207 બેઠકો પર જીત મળી હતી. તૃણમૂલ કોંગ્રેસ 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપ સરકાર બની હતી.