Thu Aug 27 2026

Logo

પૂરથી નેપાળમાં જળપ્રલય! ટિમુરે બજાર તણાયું, રસુવા બોર્ડર પર ફસાયા સેંકડો ભારતીયો, વીડિયોમાં જુઓ વિનાશ...

Kathmandu   2026-08-26 19:15:24
Author: Darshana Visaria
પૂરથી નેપાળમાં જળપ્રલય! ટિમુરે બજાર તણાયું, રસુવા બોર્ડર પર ફસાયા સેંકડો ભારતીયો, વીડિયોમાં જુઓ વિનાશ...

ભારતના પડોશી દેશ નેપાળમાં કુદરતી હોનારતને કારણે ચારેય તરફ વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યો છે. આજે એટલે કે બુધવારે 26મી ઓગસ્ટના સવારે નેપાળના ઉત્તરીય સરહદી વિસ્તારમાં અચાનક આવેલા ભીષણ પૂરના કારણે સર્વત્ર હાહાકાર મચી ગયો છે. નેપાળ ટુરિઝમ બોર્ડના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર, આ હોનારત બાદ રસુવા વિસ્તારમાંથી કુલ 291 વિદેશી નાગરિકો લાપતા થયા છે, જેમાં 105 ભારતીય પ્રવાસીઓ પણ સામેલ છે.

તિબેટ તરફથી અચાનક ધસી આવેલા ધસમસતા પાણીના પ્રવાહને કારણે આ તબાહી સર્જાઈ છે. પૂરના કારણે ભારત અને વિશ્વભરમાંથી આવેલા પ્રવાસીઓના પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે.

ટિમુરે બજાર અને સરહદી નાકા પર ભારે નુકસાન

આ વિનાશક પૂરની સૌથી ગંભીર અસર નેપાળના રસુવા જિલ્લામાં આવેલા ટિમુરે બજાર ક્ષેત્રમાં જોવા મળી છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ટિમુરે બજાર ઉપરાંત આસપાસના અન્ય બે મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારો પૂરના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે. લેન્દે ખોલા (ભોટેકોશી નદી)માં જળસ્તર અચાનક ભયજનક સપાટી વટાવી જતાં રસુવા સરહદી નાકા પર આવેલી હોટલો, વાહનો અને દુકાનો તણાઈ ગઈ છે.

105 ભારતીયો સહિત 291 વિદેશીઓ લાપતા

કુદરતી સૌંદર્ય અને ટ્રેકિંગ માટે પ્રખ્યાત રસુવા વિસ્તારમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હાજર હતા. નેપાળ ટુરિઝમ બોર્ડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે 291 ગુમ થયેલા વિદેશીઓમાં 105 ભારતીયો છે, જેમના સંપર્ક સાધવા માટે દૂતાવાસ અને સ્થાનિક વહીવટીતંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે.

યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય

નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ દળ અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાન અને તૂટેલા માર્ગો વચ્ચે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

તમે પણ આ ભયાનક તબાહીનો મંઝર ના જોયો હોય તો આ વીડિયો અત્યારે જ જોઈ લો...