Sat Sep 05 2026

Logo

ભાંડુપમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં ફસાતાં ચમત્કારિક બચાવ

2026-08-27 07:30:00
Author: Yogesh C. Patel
ભાંડુપમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં ફસાતાં ચમત્કારિક બચાવ

પતિ સાથે થયેલા ઝઘડા પછી ગુસ્સામાં મહિલાએ ફ્લૅટની બારીમાંથી ઝંપલાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપમાં બનેલી વિચિત્ર ઘટનામાં પતિ સાથેના ઝઘડા બાદ ગુસ્સામાં 10મા માળેથી કૂદેલી મહિલા બિલ્ડિંગ પાસેના ઝાડમાં ફસાઈ ગઈ હતી. ચમત્કારિક રીતે બચી ગયેલી મહિલાના પગમાં ઇજા થતાં શસ્ત્રક્રિયા માટે હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

ભાંડુપ પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની સવારે સાડાનવ વાગ્યાની આસપાસ ભાંડુપ પશ્ર્ચિમમાં તુશેત પાડા ખાતેના લૅક રોડ પર બની હતી. મહિલાને પહેલાં મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જોકે ડાબા પગમાં ગંભીર ઇજાને કારણે શસ્ત્રક્રિયાની જરૂર હોવાથી તેને બાદમાં સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ સનશાઈન બિલ્ડિંગના 10મા માળે આવેલા ફ્લૅટમાંથી પડી ગયેલી મહિલા ઈમારત પાસેના ઝાડ પર ફસાઈ ગઈ હોવાની માહિતી ક્ધટ્રોલ રૂમને મળી હતી. મહિલાની ઓળખ પ્રતીક્ષા હિવરાળે (26) તરીકે થઈ હતી.

માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો સીડીની મદદથી ઝાડ પર ચઢ્યા હતા. અમુક ડાળખીઓ કાપીને મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી હતી. પછી તરત જ અગ્રવાલ હૉસ્પિટલ લઈ જવાઈ હતી.

આ મામલે ભાંડુપ પોલીસ વધુ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઘટના પહેલાં મહિલાનો પતિ સાથે ઝઘડો થયો હતો. ગુસ્સામાં મહિલાએ ફ્લૅટમાંથી નીચે પડતું મૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ અંગે વધુ તપાસ બાદ સ્પષ્ટતા કરી શકાશે, એમ અધિકારીનું કહેવું છે.