Tue Sep 01 2026

Logo

અભિનેત્રી સની લિયોની અને તેના પતિ વિરુદ્ધની છેતરપિંડીની ફરિયાદ કોર્ટે ફગાવી

2026-08-26 18:33:43
Author: Yogesh C. Patel
અભિનેત્રી સની લિયોની અને તેના પતિ વિરુદ્ધની છેતરપિંડીની ફરિયાદ કોર્ટે ફગાવી

મુંબઈ: ફિલ્મ અભિનેત્રી સની લિયોની અને તેના પતિ વિરુદ્ધ કરાયેલી છેતરપિંડીની ફરિયાદ દિંડોશી સેશન્સ કોર્ટે ફગાવી દઈ એવી નોંધ કરી હતી કે તેમની સામે કોઈ કેસ બનતો નથી અને આ માત્ર કમર્શિયલ કોન્ટ્રાક્ટના ભંગનો વિવાદ છે.

એડિશનલ સેશન્સ જજ પી. એ. સાનેએ આ દંપતી અને તેના મૅનેજરે છેતરપિંડી કરી હોવાની ફરિયાદી ઓમપ્રકાશ શ્રીનારાયણ જૈનની ફોજદારી ફરિયાદને ફગાવી દીધી હતી.

ફરિયાદીના કહેવા મુજબ તેણે લિયોનીને તેલુગુ ફિલ્મમાં રોલ અપાવ્યો હતો. આ માટે લિયોનીને 1.75 કરોડ રૂપિયા મળવાના હતા, જેમાંથી ટકાવારી આધારિત ઈન્સેન્ટિવ તેને આપવાનું નક્કી થયું હતું.

જૈને દાવો કર્યો હતો કે આ રકમમાંથી આંશિક પેમેન્ટ તેને કરાયું હતું, પરંતુ બાકીની રકમ અને કમિશન ચૂકવાયું નથી.

આ પ્રકરણમાં અંધેરીના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટના 10 ઑક્ટોબર, 2024ના આદેશને જૈને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. મૅજિસ્ટ્રેટ કોર્ટમાં જૈને ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420 અને 506(2) હેઠળ ફરિયાદ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.

જૈનનું કહેવું હતું કે મૅજિસ્ટ્રેટ કોર્ટે યોગ્ય વિચાર કર્યા વિના આદેશ આપ્યો હતો.

જોગે અરજી ફગાવતી વખતે સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે ટૅક્સ ઈન્વોઈસીસ અને સમાધાનના સંદેશવ્યવહાર સહિતના રેકોર્ડ પર મુકાયેલા દસ્તાવેજો સંકેત આપે છે કે વિખવાદ માત્ર વ્યાવસાયિક વ્યવહાર સંબંધી જ છે.

પાર્ટીઓએ કરાર કર્યો હતો અને આમા કરારભંગ સિવાય કશું જ નથી. તેથી આઈપીસીની કલમ 405 અથવા 506(2) લાગુ કરી શકાય એવી કોઈ બાબત તેમાં નથી, એવું કોર્ટે જણાવ્યું હતું.

(પીટીઆઈ)