મુંબઈ: હિન્દી ફિલ્મજગતના જાણીતા નિર્દેશક અને 'ફૂલ ઔર કાંટે' જેવી સુપરહિટ ફિલ્મ આપનારા કુકુ કોહલીનું 77 વર્ષની વયમાં નિધન થયું છે. મંગળવારે મુંબઈના કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટના લીધે કુકુ કોહલીનું નિધન થયું હતું. તેમના નિધનથી તેમના પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર બોલીવુડના કલાકારોને આંચકો લાગ્યો હતો. તેમના નિધનની ખબરથી સૌથી મોટો ઝટકો અભિનેતા અજય દેવગનને લાગ્યો છે, જેને કુકુ કોહલીએ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોંચ કર્યો હતો. પોતાના માર્ગદર્શક અને મેન્ટોરને ગુમાવવાથી દુઃખી અજય દેવગને સોશિયલ મીડિયા પર અત્યંત ભાવુક સંદેશો લખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
અજય દેવગનનો ભાવુક સંદેશો
પોતાની કારકિર્દીનો પાયો રાખનારા નિર્દેશકના નિધનથી અજય દેવગન સંપૂર્ણપણે તૂટી ગયા છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ કરતા લખ્યું હતું કે 'અમુક લોકો જીવનનો માર્ગ હંમેશા માટે બદલી નાખે છે.' કુકુજી મારા માટે તેઓ ખાસ લોકોમાંથી એક હતા. તમે મારા પર વિશ્વાસ રાખ્યો, તેના માટે હું જીવનભર તમારો આભારી રહીશ. તમારી ખોટ હંમેશાં રહેશે, કુકુજી. ૐ શાંતિ.' અજય દેવગનના આ સંદેશથી સ્પષ્ટ જાહેર થાય છે કે કુકૂ કોહલીનું તેમના જીવન અને કારકિર્દીમાં બહુ મોટું યોગદાન હતું.
Some people change the course of your life forever. Kuku ji was one of those people for me.
— Ajay Devgn (@ajaydevgn) August 26, 2026
Forever grateful for the faith you had in me. You will be deeply missed, Kuku ji.
Om Shanti.🙏
'ફૂલ અને કાંટા'થી બદલાયું ભાગ્ય
કુકૂ કોહલી અને અજય દેવગનના વ્યાવસાયિક અને વ્યક્તિગત સંબંધની શરૂઆત વર્ષ 1991માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'ફૂલ ઓર કાંટે'થી થઈ હતી. આ ફિલ્મ દ્વારા અજય દેવગનનું કુકૂ કોહલીએ ડેબ્યુ કરાવ્યું હતું. આ એક્શન-રોમાન્સ ફિલ્મ બોક્સઓફિસ પર ઓલટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ અને આ ફિલ્મે અજય દેવગનનું ભાગ્ય ચમકાવી દીધું હતું. ફિલ્મમાં બે ચાલતી બાઈક પર પગ રાખીને થયેલી અજય દેવગનની એન્ટ્રી આજે પણ હિન્દી સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત અને યાદગાર ડેબ્યૂ સીનમાં ગણવામાં આવે છે.
'ફૂલ ઔર કાંટે'થી મુખ્ય નિર્દેશનમાં કરી શરુઆત
કુકૂ કોહલીની ફિલ્મી સફર અત્યંત પ્રેરણાદાયી રહી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મહાન ફિલ્મકાર રાજ કપૂરની સાથે કામ કરીને કરી હતી. ત્યારબાદ તેમણે સની દેઓલ અને અમૃતા સિંહની ડેબ્યુ ફિલ્મ 'બેતાબ'માં સેકન્ડ યુનિટ ડાયરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી હતી.
પોતાની નિર્દેશન ક્ષમતાને સાબિત કર્યા બાદ તેમણે 'ફૂલ ઔર કાંટે'થી મુખ્ય નિર્દેશનના રૂપે શરૂઆત કરી હતી. ત્યાર બાદ અજય દેવગન, અક્ષય કુમાર, કરિશ્માએ કપૂરર અને નગમા સ્ટારર ફિલ્મ 'સુહાગ' બનાવી, જેણે સિનેમાઘરોમાં ગોલ્ડન જ્યુબિલી મનાવી હતી. ત્યારબાદ તેમણે 'હકીકત', 'કોહરામ', 'બાદશાહ' અને 'હલચલ' જેવી અનેક હિટ અને યાદગાર ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું.
અંગત જીવન અને પરિવારમાં શોકની લહેર
1990ના દશકાથી લઈને 2000ના શરૂઆતના સમય સુધી પોતાની એક્શન, ડ્રામા અને સંગીતથી ભરપૂર ફિલ્મોથી દર્શકોને મનોરંજન કરનારા કુકૂ કોહલી પોતાની પાછળ પત્ની અને બોલીવુડનાં દિગ્ગ્જ અભિનેત્રી અરુણા ઈરાની અને પહેલા લગ્નથી બે દીકરીઓને છોડીને ગયા હતા. સ્વાસ્થ્ય બગડ્યા બાદ અને હૃદયરોગના હુમલા બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.