(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ ગણાતા ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં બે ટ્વિન ટનલ બાંધવામાં આવવાની હોઈ બહુ જલદી બીજી ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવવાનું છે. બીજા ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના છૂટ્ટા ભાગોના અસેમ્બલિંગનું કામ ૭૦ ટકા થયું છે. તેથી બહુ જલદી બીજી ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવે એવી શકયતા છે.
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં ફેઝ-૩(બી) અંતર્ગત ગોરેગામ(પૂર્વ)માં દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મસિટી)થી મુલુંડ(પશ્ર્ચિમ)માં અમર નગર દરમ્યાન સંજય ગાંધી નેશનલ પાર્ક નીચે ‘તુલસી’ આ ટનલ બોરિંગ મશીન દ્વારા ૫.૩૦ કિલોમીટર લંબાઈની ત્રણ-ત્રણ લેનની બે ટનલ બાંધવામાં આવવાની છે. તેમાંથી પહેલી ટનલને ખોદવાનું કામ ૧૭ ઑગસ્ટ, ૨૦૨૬થી શરૂ કરવામાં આવ્યું હતું.
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે બુધવારે પ્રોજેક્ટ સાઈટનું ઈન્સ્પેકશન કરીને પ્રોજેક્ટના ખોદકામની કાર્યપદ્ધતિ, ચાલી રહેલા ખોદકામ સહિત સંબંધિત કામોની ટેક્નિકલ માહિતી લીધી હતી. આ દરમ્યાન તેમણે સુરક્ષા, મશીનરીની કાર્યક્ષમતા, બાંધકામની ગુણવત્તા સહિત પ્રોજેક્ટના ડેડલાઈનને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે કામનું આયોજન કરવાનો નિર્દેશ અધિકારીઓને આપ્યો હતો.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાના કામ હેઠળ ૧૭ ઑગસ્ટથી ગોરેગામમાં ફિલ્મસીટિમાં ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) દ્વારા ટ્વિન ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, તેમાં અત્યાર સુધી નવ મીટર લંબાઈનું ખોદકામ પૂર્ણ થયું છે. કામ ઝડપથી પૂર્ણ કરવા માટે યોગ્ય પગલાં લેવાનું અને વધારાના મનુષ્યબળને તહેનાત કરવામાં આવવાના છે. ટનલનું ખોદકામ ટેક્નિકલી રીતે અત્યંત પડકારજનક હોવાથી કામગારોની સુરક્ષિતતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બીજા ટીબીએમના છૂટ્ટા ભાગોને જોડવાનું કામ ૭૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં તેનું જોડાણ પૂર્ણ કરવાનું આયોજન છે. ટીબીએમ સાઈટ પર સ્થાપિત થયા બાદ તેની તપાસ માટે સાઈટ એક્સપટેન્સ ટેસ્ટ પહેલી ઑક્ટબરથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ જ ટનલનો ખોદકામ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.