Mon Sep 07 2026

Logo

ઉદ્ધવ ઠાકરે 'એલર્ટ': માતોશ્રી પર ઇમરજન્સી બેઠક, વિધાનસભ્યોને આપી ખાસ સૂચના

2026-09-01 21:40:08
Author: Mumbai Samachar Team
ઉદ્ધવ ઠાકરે 'એલર્ટ': માતોશ્રી પર ઇમરજન્સી બેઠક, વિધાનસભ્યોને આપી ખાસ સૂચના

મુંબઈ: રાજકીય વર્તુળોમાં ફરી એકવાર 'ઓપરેશન ટાઈગર ૨'ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલાં શિવસેનાના ૯ પૈકી ૬ સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને શિવસેના (શિંદે જૂથ)માં પ્રવેશ કર્યો હતો. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે શિવસેના ઠાકરે જૂથના ૧૪ ધારાસભ્યો પણ પક્ષપલટો કરવા જઈ રહ્યા છે. 

આ ૧૪ વિધાનસભ્યો એકનાથ શિંદેના સંપર્કમાં હોવાનું કહેવાય છે. એક તરફ આ રાજકીય હિલચાલ તેજ થઈ છે, તો બીજી તરફ પનવેલના સેક્ટર ૧૯માં આવેલી એક ઝેરોક્ષની દુકાનમાંથી બીએલઓના એસઆઇઆર ફોર્મ મળી આવ્યા હતા. આ બંને ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં ઉદ્ધવ ઠાકરે સંપૂર્ણપણે 'એલર્ટ મોડ'માં આવી ગયા હોવાનું જોવા મળ્યું હતું.

પનવેલ મહાનગરપાલિકાના શિવસેના (યુબીટી)ના નેતા લીના ગરડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પનવેલના સેક્ટર ૧૯માં આવેલી એક ઝેરોક્ષની દુકાનમાંથી બીએલઓના એસઆઇઆર ફોર્મ મળી આવ્યા હતા, તે તદ્દન કોરા હતા. આનો સીધો અર્થ એ છે કે આ બોગસ મતદારોની નોંધણી કરવાનો કારસો છે. 

વિપક્ષના મત ઘટાડવા અને બોગસ મતદાન વધારવાનું જ ષડયંત્ર ચાલી રહ્યું છે તે આના પરથી સ્પષ્ટ થાય છે. આ બાબત લોકશાહી માટે અત્યંત ઘાતક છે. આ ચોંકાવનારી ઘટના ખારઘરમાં બની હોવાનો ગંભીર આરોપ લીના ગરડે લગાવ્યો હતો. 

દરમિયાન, આ ઘટના બાદ શિવસેના (ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયા છે. તેમણે 'માતોશ્રી' ખાતે પનવેલના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી, જેમાં કેટલાક લોકપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. 

આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો કોઈ એજન્ટનો ફોન આવે તો તેનું રેકોર્ડિંગ કરી લો. આ અંગે માહિતી આપતાં શિવસેના ધારાસભ્ય મહેશ સાવંતે એવો દાવો પણ કર્યો હતો કે શિંદે સેનામાં ગયેલા કેટલાક પદાધિકારીઓ અને એજન્ટો તરફથી ફોન તથા મેસેજ આવી રહ્યા છે. 

જોકે, તેમણે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું કે, "મારું વલણ 'જીના યહાં, મરના યહાં' જેવું જ રહેશે." સાથે જ તેમણે ઉમેર્યું કે કોઈ ધારાસભ્ય પક્ષ છોડશે નહીં, માત્ર રાજકીય વાતાવરણ બગાડવા માટે આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.