મુંબઈ: છેલ્લા ઘણા વર્ષોથી દેવનાર ડમ્પિંગ યાર્ડ ખાતે એકઠા થયેલા કચરાના પહાડો સાફ કરવાના મુંબઈ મહાનગરપાલિકાના પ્રોજેક્ટને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મંજૂરી આપી દીધી છે.
આ વર્ષના એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા પણ આ કચરાના નિકાલ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે હવે આ કચરો હટાવવાની કામગીરીમાં ઝડપ આવશે. દેવનાર ડમ્પિંગ યાર્ડ ખાતે છેલ્લા લગભગ સો વર્ષોથી મુંબઈમાંથી કચરો લાવીને ઠાલવવામાં આવી રહ્યો છે, જેના લીધે અહીં કચરાના મોટા પહાડો ખડકાઈ ગયા છે.
દેવનાર ડમ્પિંગ યાર્ડની જમીન ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે આપવામાં આવનાર હોવાથી આ ડમ્પિંગ યાર્ડ ૧૮૫ લાખ ટન કચરાનો નિકાલ કરવામાં આવશે. આ કચરો હટાવવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા હસ્તક છે.
અહીં દરરોજ જમા થતા ૬૦૦ ટન કચરાને લીધે કુલ ૧૮૫ લાખ ટન કચરાના ૩૫ થી ૪૦ મીટર ઊંચા ઢગલા ખડકાઈ ગયા છે. ૨૦૨૫માં આ પ્રોજેક્ટ માટે ૧૨૪.૩ એકર જમીન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રોજના ૧૫,૦૦૦ મેટ્રિક ટન બાયોમાઇનિંગ માટે મંજૂરી આપી છે, જેથી ૧૮૫ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને ૧૧૦ હેક્ટર જમીન ખાલી કરાશે. પ્રક્રિયામાંથી નીકળતું પ્લાસ્ટિક, કાચ અને ધાતુ રસ્તા તથા સિમેન્ટ પ્લાન્ટમાં, માટી ખેતીમાં, અને કોંક્રિટ-રેતી બાંધકામમાં વપરાશે.